Rajkot: ઝેરી ટીકડા ખાઈ યુવકે જિંદગી ટૂંકાવી, લિવ ઈનમાં રહેતી પ્રેમિકાના ત્રાસથી ભર્યું અંતિમ પગલું

મૃતક યુવક છૂટાછેડા બાદ પ્રેમ પાંગરતા 3 વર્ષથી મૈત્રી કરારથી યુવતી સાથે રહેતો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 10 Oct 2024 04:17 PM (IST)Updated: Thu, 10 Oct 2024 04:17 PM (IST)
rajkot-news-man-commit-suicide-by-touture-by-live-in-partner

Rajkot: શહેરના મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઈટ ચોકમાં રહેતા યુવાને લિવ ઇનમાં સાથે રહેતી પ્રેમિકાના ત્રાસથી ઝેરી ટીકડા ખાઇ જિંદગી ટૂંકાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાના પગલે મૃતક યુવકના પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં રહેતા અમિતભાઈ ગોરધનભાઈ ગોંડલીયા (37) નામના યુવકે ગત રાતે 9 વાગ્યાની આસપાસ પોતાના ઘરે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. જે બાદ યુવકને ઝેરની અસર થતા તેને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં અમિત ગોંડલિયા મૂળ ચોટીલાના હીરાસર ગામનો વતની હતો. અમિત ગોંડલીયા બે ભાઈ એક બહેનમાં મોટો હતો અને ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અમિત ગોંડલીયાના અગાઉ છૂટાછેડા થઈ ગયા બાદ હેતલ નામની યુવતી સાથે આંખ મળી જતા બંને છેલ્લા ત્રણ વર્ષથી મૈત્રી કરારથી સાથે રહેતા હતા.

લિવ ઇનમાં સાથે રહેતી પ્રેમિકા હેતલના ત્રાસથી કંટાળી અમિત ગોંડલિયાએ ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ જોગડા સહિતના સ્ટાફે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.