Surat: સુરત શહેરમા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એજ્યુકેટિવ કાઉન્સિલની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે LIC વીમો લેવાશે. આ નિર્ણય અંતર્ગત વિદ્યાર્થીઓને અભ્યાસ દરમ્યાન આર્થિક સુરક્ષા મળશે. આ પહેલ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે મોટી રાહત સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે સ્વખર્ચે વીમો લેવાનો નિર્ણય લેનારી VNSGU ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી હશે.
કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જ્યારે 60 વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે એના ભાગરૂપે શૈક્ષણિક વર્ષ 25-26 માટે યુનિવર્સિટી પરિસરમાં અભ્યાસ કરતા 7000 કરતાં વધારે વિદ્યાર્થીઓનો LIC એટલે કે લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ડાયરેક્ટ સીધા અધિકારીઓ સાથે સંકલન કરીને અમારી એજ્યુકેટિવ કાઉન્સિલે જીવન વીમો એક વર્ષ માટેનો લેવાનો નિર્ણય લીધો છે.
જેનાથી વિદ્યાર્થી વર્ષ દરમિયાન નાની મોટી ઈજા થાય કે કોઈ કારણસર એનો મોટો જીવલેણ અકસ્માત થાય, તેવા સંજોગોમાં આર્થિક વળતર સામાન્ય રીતે વાલી પર જતો હોય છે. એ સંદર્ભમાં આ LIC દ્વારા જ સીધો એને આર્થિક વળતર મળી જાય અને આને માટેનું જે પ્રીમિયમની જે વ્યવસ્થા છે, એ યુનિવર્સિટી પોતાના ખર્ચે આ પ્રીમિયમ ભરશે
વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રીમિયમની રકમ અંગે અધિકારીઓ જોડે હજુ હમણાં નિર્ણય આવ્યો છે એટલે જેવો નિર્ણય થશે એટલે તરત એ રકમનો અમે પ્રીમિયમ ભરી દઈશું. જેથી શૈક્ષણિક વર્ષ 25-26 થી અમલમાં આવી શકે. આનાથી યુનિવર્સિટીને એ ફાયદો થાય છે કે, વિદ્યાર્થીઓને અને વાલીઓને એક પ્રકારની આર્થિક સુરક્ષા મળશે. આ રીતે વિદ્યાર્થીઓ સરળતાથી યુનિવર્સીટીમાં નિર્ભય પણે અભ્યાસ કરી શકશે. આ અમારી એજ્યુકેટીવ કાઉન્સિલે અને તમામ અધિકાર મંડળના સભ્યોએ નિર્ણય લીધો છે.
