સુરત અને ઉધના સ્ટેશન પર મુસાફરો માટે મોટી રાહતઃ ડિજિટલ સ્ક્રીન સાથે મોબાઈલ ચાર્જિંગ પૉઈન્ટની સુવિધા મળશે

પશ્ચિમ રેલવે દ્વારા સુરત રેલવે સ્ટશન અને ઉધના જંક્શન પર મુસાફરોની સુવિધા માટે મોબાઈલ ચાર્જિંગ કિયોસ્ક અને ડિજિટલ એડવર્ટાઈઝમેન્ટ સ્ક્રીન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની મદદથી મુસાફરો પોતાનો મોબાઈલ ફોન ચાર્જ કરી શકશે. તેમજ રેલવે સબંધિત અગત્યની જાણકારી અને અપડેટ્સ પણ મેળવી શકશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 24 Nov 2026 06:30 PM (IST)Updated: Tue, 24 Nov 2026 06:30 PM (IST)
surat-news-mobile-charging-point-facility-for-passangers-in-railway-station-and-udhana-junction

Surat News: સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મોબાઈલ ચાર્જિંગ કિયોસ્ક સાથે ડિજિટલ એડવર્ટાઈઝમેન્ટ સ્ક્રીન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુવિધા શરૂ થતાં ટ્રેનની રાહ જોતા મુસાફરો મોબાઈલ ફોન ચાર્જ કરી શકશે. આ સાથે જ રેલવેની જરૂરી માહિતી તથા અપડેટ્સ પણ મેળવી શકશે.

સુરત રેલવે સ્ટેશન પર 16 અલગ-અલગ સ્થળોએ કુલ 20 ડિજિટલ LED સ્ક્રીન ગોઠવવામાં આવશે. જ્યારે ઉધના રેલવે સ્ટેશન પર એક સ્થળે મોબાઈલ ચાર્જિંગ કિયોસ્ક ઊભું કરવામાં આવશે. આમ સુરત અને ઉધના બંને રેલવે સ્ટેશનોએ મળીને કુલ 17 સ્થળોએ આ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.

આ અંગે પશ્ચિમ રેલવેના PRO અનુભવ સક્સેનાએ જણાવ્યું કે, મુસાફરી દરમિયાન મોબાઈલની બેટરી ઉતરી જવાની સમસ્યાનો સામનો કરતા પ્રવાસીઓને આ નવી વ્યવસ્થાથી રાહત મળશે. આ ઉપરાંત ડિજિટલ સ્ક્રીનના માધ્યમથી રેલવેની સૂચનાઓ અને જાગૃતિ સંદેશાઓ પણ મુસાફરો સુધી પહોંચાડી શકાશે.

મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરેક કિયોસ્કમાં 55 ઇંચની ડિજિટલ સ્ક્રીન લગાવવામાં આવશે. આ ઉપરાંત એક કિયોસ્કમાં ઓછામાં ઓછા છ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ રાખવામાં આવશે. મુસાફરો ફોન સરળતાથી ચાર્જ કરી શકે તે માટે મોબાઈલ મૂકવા ખાસ સ્ટેન્ડની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ સુવિધાને કારણે ટ્રેનની રાહ જોતા મુસાફરોને મોબાઈલ ચાર્જિંગ માટે ભટકવું નહીં પડે. આ સાથે જ સ્ક્રીન પર પ્રદર્શિત થતી માહિતી દ્વારા રેલવેની વિવિધ સૂચનાઓ અને અપડેટ્સ પણ જાણી શકશે.

રેલવે દ્વારા ડિજિટલ સ્ક્રીનના ઉપયોગ માટે સમયનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્ક્રીન પર ચાલતા કુલ પ્રસારણ સમયમાંથી 50 ટકા સમય રેલવે સંબંધિત માહિતી, જરૂરી સૂચનાઓ અને જાગૃતિ સંદેશાઓ માટે અનામત રાખવામાં આવશે. જ્યારે બાકીના 50 ટકા સમયનો ઉપયોગ રેલવેની જાહેરાત નીતિ અને પૂર્વ મંજૂરીને આધીન રહીને કોમર્શિયલ જાહેરાતો પ્રદર્શિત કરવા માટે કરવામાં આવશે.

પશ્ચિમ રેલવેના આ નિર્ણયથી સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોને વધુ સુવિધાજનક અનુભવ મળશે. મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા સાથે ડિજિટલ સ્ક્રીન દ્વારા માહિતી પહોંચાડવાની પ્રક્રિયા પણ વધુ સરળ અને ઝડપી બનશે.આ પ્રોજેક્ટથી બંને સ્ટેશનોની આધુનિક સુવિધાઓમાં નવો ઉમેરો થશે અને મુસાફરોને એક જ સ્થળે મોબાઈલ ચાર્જિંગ તથા રેલવેની મહત્વપૂર્ણ માહિતી મેળવવાની સુવિધા ઉપલબ્ધ થશે.