Kutch: હાજીપીર રોડ પર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 3ના ઘટના સ્થળે જ દર્દનાક મોત

કચ્છના હાજીપીર રોડ પર આવેલા ઢોરો ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 24 Nov 2026 05:46 PM (IST)Updated: Tue, 24 Nov 2026 05:46 PM (IST)
kutch-news-3-dead-in-tractor-with-trolley-collied-with-truck-on-hajipur-road

Kutch News: કચ્છના હાજીપીર રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અહીંનો ઢોરો ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક સામસામે ધડાકાભેર ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં 3 વ્યક્તિઓના સ્થળ પર જ મોત નીપજ્યા છે.

ટ્રક સાથે ટક્કર બાદ ટ્રેક્ટરની ટ્રોલી રોડની સાઈડમાં ઊંધી લટકી ગઈ

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હાજીપીર રોડ પરથી કચ્છ પાસિંગનો ટ્રક પસાર થઈ રહ્યો હતો. આ સમયે ઢોરો ગામ નજીક ટ્રક સામેથી આવતા ટ્રેક્ટર સાથે ધડાકાભેર ભટકાયું હતુ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટક્કર બાદ ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે ટ્રેક્ટર પણ ટ્રોલી સાથે રોડની સાઈડમાં ઉતરી ગયું હતુ, જ્યાં ટ્રોલી ઊંધી લટકી ગઈ હતી.

આ અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ હાથ ધર્યું હતુ. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જો કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.