Surat: શહેરના સહારા દરવાજા પાસેથી પસાર થતી સિટી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. બસમાંથી એકાએક ધુમાડા નીકળતા જ ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી બસને ઉભી રાખીને તમામ મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દીધા હતા. જેના પગલે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી નથી, પરંતુ બસ બળીને રાખ થઈ ગઈ છે.
મુસાફરો બહાર નીકળતાં જ બસ આગમાં સ્વાહા
સુરત મનપા સંચાલિત સિટી બસ સુરત સ્ટેશન તરફ જઈ રહી હતી. આ સમયે બસમાં પાંચ મુસાફરો અને ડ્રાઈવર સહિત 6 લોકો સવાર હતા. આ બસ સહારા દરવાજા નજીક પહોંચી, ત્યારે બસમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગ્યા હતા. જેથી ડ્રાઈવરે તરત જ બસનો ઉભી રાખી હતી અને તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા.
મુસાફરો બસમાંથી બહાર નીકળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં બસ ભડભડ સળગવા લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી બસ આગની ઝપેટમાં આવીને કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી.
બીજી તરફ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. જે બાદ પાણીનો સતત મારો ચલાવીને ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. હાલ તો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં તપાસ ચાલી રહી છે.
