ભાજપે બંધારણ મુદ્દે કોંગ્રેસને ઘેરી, કહ્યું- 'નહેરુ-ગાંધી પરિવારની સત્તા ટકાવી રાખવા સંવિધાનનો અનેક વખત દુરુપયોગ થયો'

ભાજપ 26 નવેમ્બરે ગુજરાતભરમાં 'સંવિધાન ગૌરવ દિવસ' ઉજવશે, જેમાં કોંગ્રેસ પર બંધારણના દુરુપયોગનો આરોપ લગાવવામાં આવ્યો છે. પક્ષે કહ્યું કે કોંગ્રેસે નહેરુ-ગાંધી પરિવારની સત્તા ટકાવી રાખવા બંધારણનો વારંવાર દુરુપયોગ કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 24 Nov 2026 04:42 PM (IST)Updated: Tue, 24 Nov 2026 04:42 PM (IST)
ahmedabad-news-gujarat-bjp-launches-samvidhan-gaurav-abhiyan-rallies-in-five-cities-and-youth-outreach-planned

Ahmedabad News: આગામી 26 નવેમ્બરના રોજ ઉજવાનાર 'સંવિધાન ગૌરવ દિવસ' (Samvidhan Gaurav Divas) અંતર્ગત ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમોની વિગતો અને સંવિધાન પ્રત્યે ભાજપાની પ્રતિબદ્ધતા તથા કોંગ્રેસ દ્વારા બંધારણના કરાયેલા વારંવારના અપમાન સંદર્ભે આજે કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયા તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે પત્રકાર પરિષદને સંબોધીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતા.

પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાએ જણાવ્યું કે, સંવિધાન પ્રત્યેનું સન્માન અને તેની રક્ષા ભાજપાના મૂળ વિચાર અને કાર્યપદ્ધતિમાં રહેલાં છે. સંવિધાનના અમલના સમયથી જ કલમ 370ના મુદ્દે દેશની એકતા અને અખંડિતતા માટે આદરણીય ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ‘એક દેશમાં બે વિધાન, બે પ્રધાન નહીં ચાલે’નો નારો આપ્યો હતો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગર ખાતે હાથીની અંબાડી પર બાબાસાહેબ ડૉ. આંબેડકરજીના સંવિધાનની ગૌરવપૂર્ણ પદયાત્રા યોજી હતી.

26 નવેમ્બરે ગુજરાતભરમાં સંવિધાન ગૌરવ યાત્રા યોજાશે

આગામી 26 નવેમ્બરના રોજ સંવિધાન ગૌરવ દિને અમદાવાદના ટાગોર હોલ ખાતે સાંજે 4 વાગ્યે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત રાજ્યના જિલ્લા અને મહાનગરોમાં સંવિધાન ગૌરવ યાત્રા યોજાશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં વોર્ડ સ્તરે પણ યાત્રાઓ યોજાશે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, આજની પેઢીમાં સંવિધાન અંગે વધુ જાગૃતિ લાવવા ‘સેલ્ફી વિથ સંવિધાન’ અને સંવિધાન આધારિત સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ‘સંવિધાન અમારું ગૌરવ, સંવિધાન અમારું સન્માન’ના હેશટેગ સાથે રાજ્યભરમાં યુવાનોનો સંપર્ક કરવામાં આવશે. લોકસભા અને રાજ્યસભાના સાંસદો પણ 26 થી 29 નવેમ્બર દરમિયાન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં યુવાનો સાથે સંવિધાન વિષયક સંવાદ યોજશે.

સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત ભાજપા દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં પત્રકાર પરિષદ યોજીને ડૉ. બાબાસાહેબ આંબેડકરજી અને સંવિધાનનું મહત્ત્વ, ભાજપા તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંવિધાન અને બાબાસાહેબને આપવામાં આવેલું સન્માન અને કોંગ્રેસના શાસનમાં સંવિધાનની અવગણના તથા બાબાસાહેબનું થયેલું અપમાન અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો છે.

પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 1949માં બંધારણીય સભા દ્વારા સ્વીકૃત થયેલું ભારતનું સંવિધાન માત્ર કાયદાનું પુસ્તક નથી, પરંતુ દેશના નાગરિકોના અધિકારો, સમાનતા, સ્વતંત્રતા, લોકશાહી અને રાષ્ટ્રની એકતા-અખંડિતતાનો જીવંત દસ્તાવેજ છે.

અગાઉ 26 નવેમ્બર કાનૂન દિવસ તરીકે ઓળખાતો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની 125મી જન્મજયંતી નિમિત્તે 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો, ત્યારથી સમગ્ર દેશમાં સંવિધાનના મહત્ત્વ, નાગરિકોના અધિકારો અને ફરજો અંગે જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.

સંવિધાન ગૌરવ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં સંવિધાન પ્રત્યે ગૌરવ અને જાગૃતિ કેળવવાનો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ, ન્યાયતંત્ર, સીબીઆઈ સહિતની બંધારણીય સંસ્થાઓની ગરિમા જાળવવા અને સંસદની લોકશાહી પરંપરાઓનું મહત્ત્વ લોકો સુધી પહોંચાડવાનો છે.

કોંગ્રેસના શાસનકાળની ટીકા કરતાં ડૉ. પટેલે જણાવ્યું કે, વર્ષ 1975ની કટોકટી ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય છે. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના શાસનમાં નાગરિકોના મૂળભૂત અધિકારો, પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહી મૂલ્યોનું હનન થયું હતું. વિપક્ષના નેતાઓ સહિત અનેક નાગરિકોની ધરપકડ કરવામાં આવી અને લોકશાહીની સંસ્થાઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ થયો હતો. જે બાદ પણ કોંગ્રેસના વિવિધ શાસનકાળમાં સંવિધાનમાં વારંવાર એવા સુધારા કરવામાં આવ્યા, જેના કારણે લોકશાહી વ્યવસ્થા અને બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા સામે પ્રશ્નો ઊભા થયા.

કોંગ્રેસે નહેરુ-ગાંધી પરિવારની સત્તા ટકાવી રાખવા સંવિધાનનો અનેક વખત દુરુપયોગ કર્યો

વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં કલમ 356નો વારંવાર ઉપયોગ કરીને ચૂંટાયેલી રાજ્ય સરકારોને બરતરફ કરવામાં આવી. કલમ 370 અને 35-A જેવા મુદ્દાઓમાં સંસદીય પ્રક્રિયા અને પારદર્શિતાને બાજુ પર રાખવામાં આવી હતી.

શાહબાનો કેસમાં કાયદાકીય ફેરફાર, નરસિંહારાવ સરકાર દરમિયાનનો કેશ ફોર વોટ કાંડ અને મનમોહનસિંહ સરકારના સમયમાં નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ (NAC) મારફતે ચૂંટાયેલી સરકારની સત્તાની બહાર સમાંતર સત્તાકેન્દ્ર ઊભું કરવાના પ્રયાસો કોંગ્રેસની બંધારણ વિરોધી કાર્યપદ્ધતિ દર્શાવે છે. રાહુલ ગાંધી દ્વારા જાહેરમાં પોતાની જ કેન્દ્ર સરકારના વટહુકમની નકલ ફાડવાની ઘટના પણ સંસદીય અને બંધારણીય પ્રક્રિયાઓ પ્રત્યેના તેમના અપમાનજનક વલણનું ઉદાહરણ છે.

PM મોદીના નેતૃત્વમાં ભાજપ અને NDA સરકારે સંવિધાનને વધુ મજબૂત બનાવવાના હેતુથી અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. OBC આયોગને બંધારણીય દરજ્જો, GST, આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામત, કલમ 370 અને 35-એની નાબૂદી જેવા નિર્ણયો સામાજિક ન્યાય, રાષ્ટ્રીય એકતા અને બંધારણીય સશક્તિકરણની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં છે.

બાંગ્લાદેશ સાથે લાંબા સમયથી પડતર સરહદી જમીનના પ્રશ્નનું વર્ષ 2015માં સમાધાન કરીને રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ભાજપા સરકારના બંધારણીય સુધારાઓનો હેતુ સત્તાનું કેન્દ્રીકરણ નહીં, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને છેવાડાના નાગરિકોના સશક્તિકરણનો રહ્યો છે.

અંતમાં તેમણે જણાવ્યું હતું કે, સંવિધાન કોઈ રાજકીય પક્ષની મિલકત નથી, પરંતુ દેશના 140 કરોડ નાગરિકોનું ગૌરવ છે. તેથી સંવિધાનના મૂલ્યોનું જતન, બંધારણીય સંસ્થાઓનું સન્માન અને લોકશાહીની પરંપરાઓનું પાલન દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. ભારતીય જનતા પાર્ટી સંવિધાન ગૌરવ અભિયાન દ્વારા આ જ સંદેશ જન-જન સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે.