Surat: શહેરના પીપલોદ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધના બે અલગ-અલગ બેંક ખાતાંમાંથી તેમની જાણ કે મંજૂરી વિના UPI મારફતે રૂ. 9.02 લાખની રકમ ટ્રાન્સફર કરી સાયબર ઠગાઈ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ તપાસ અને બેંક વ્યવહારોની કડીઓના આધારે આ ગુનાનો પર્દાફાશ કરી મધ્ય પ્રદેશના મોરેનામાંથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
OTP વિના બે ખાતામાંથી પૈસા કપાતા મોબાઈલ ચેક કરતાં 4 APK ફાઈલો મળી
આ પણ વાંચો
સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા 79 વર્ષીય વૃદ્ધના બે બેંક ખાતામાંથી 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર, 2026 દરમ્યાન તેમની જાણ કે મંજૂરી વિના UPI મારફતે રૂ. 9.02 લાખ ટ્રાન્સફર થયા હતા. વૃદ્ધે પોતાનો મોબાઈલ ફોન તપાસતા તેમાં ચાર અજાણી APK ફાઈલો મળી હતી, જેનો ઉપયોગ કરીને તેમના ફોન કે બેન્કિંગ એપનો એક્સેસ મેળવીને છેતરપીંડી આચરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોધાઇ હતી. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ તપાસ અને બેંક વ્યવહારોની કડીઓના આધારે આ ગુનાનો પર્દાફાશ કરી મધ્ય પ્રદેશના મોરેનામાંથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનામાં ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ શ્રીનિવાસ ભરત માથુર (18) જે ધો.12માં અભ્યાસ કરે છે. જ્યારે આરોપીના મળતિયા નાસ્તા ફરતા આરોપીઓ સાથે મળીને બેંકમાં પોતાના નામે સેવિંગ એકાઉન્ટ ઓપન કરાવી નાસ્તા ફરતા આરોપીઓને ખાતું અને પોતાનો મોબાઈલ ફોન બે કલાક માટે આપી સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરાવી 5 હજાર રૂપિયાનું કમિશન મેળવ્યું હતું
બીજો આરોપી બનવારી કાલીચરણ શ્રીરામ રાઠોડ (27) છે, જેણે ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલમાં છેલ્લા સાતેક વર્ષથી CSC સેન્ટર ચલાવે છે. તેણે પોતાના જાણીતાના નામે એકાઉન્ટ ઓપન કરાવી તે ખાતામાં પોતાનો મોબાઈલ નમ્બર રજિસ્ટર કરાવી પકડાયેલા આરોપી અવધેશ બચ્ચનસિંહ નારણસિંહ ગુર્જર અને નાસ્તા ફરતા આરોપીને ખાતાનો ઉપયોગ કરવા માટે 10 હજારની રકમ મેળવવાની લાલચે પોતાનો મોબાઈલ ફોન ત્રણ દિવસ માટે ઉપયોગમાં આપી ખાતાનું એક્સેસ આપી સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરાવ્યા હતા
ત્રીજો આરોપી પ્રશાંત દિનેશ માતાદિન શર્મા (19) છે, જે ધો.12માં અભ્યાસ કરે છે, તેણે પોતાના નામે એકાઉન્ટ ઓપન કરાવી નાસ્તા ફરતા આરોપીને પોતાનો મોબાઈલ ફીણ ત્રણ કલાક માટે ઉપયોગમાં આપી ખાતાનું એક્સેસ આપી સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરાવી 2 હજાર રૂપિયાનું કમિશન મેળવ્યું હતું
ચોથો આરોપી અવધેશ બચ્ચનસિંહ નારણસિંહ ગુર્જર (30) છે, તેણે ધો. 8 સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલમાં દૂધનું વેચાણ અને ખેતીકામ કરે છે. તેણે પોતાના સગા ભાઈ [નાસ્તા ફરતા આરોપી] સાથે મળીને પકડાયેલા આરોપી બનવારી કાલીચરણ શ્રીરામ રાઠોડનો સંપર્ક કર્યો હતો અને તેની મારફતે અન્યના નામે ખાતું ઓપન કરાવી 10 હજારની રકમનું કમિશન આપવાની લાલચ આપી બનવારી રાઠોડનો મોબાઈલ ફોન ત્રણ દિવસ માટે મેળવી પોતાના ભાઈને આપી ખાતાનું એકસેસ મેળવી સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરાવ્યા હતા
વધુમાં પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ કમીશનની લાલચ આપી પોતાના અથવા અન્યના નામે બેંક ખાતા ખોલાવવાની અને તે ખાતા સાથે જોડાયેલા મોબાઈલ ફોન અન્ય વ્યક્તિઓને સોપી સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરી છેતરપીંડી આચરતા હતા.
આ ઉપરાંત પોલીસ તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે, ગુનામાં સંડોવાયેલા ત્રણેય INDUSIND BANK ના ખાતામાં કુલ 21 ક્રેડીટ વ્યવહારો મળી કુલ 3,16,170 જમા થયા હતા તે પૈકી સુરતની ફરિયાદ સાથે સંકળાયેલા વ્યવહારોની રકમ 2.38 લાખ છે. તેમજ આરોપી રાહુલ માથુરના INDUSLND BANK ખાતા અંગે NCCRP પોર્ટલ પર 2 ફરિયાદો નોંધાયેલી છે.
સુરત શહેરની ફરિયાદની 9,02,802 અને ઉતર પ્રદેશની 13,000 મળી કુલ છેતરપીડીની રકમ 9,15,802 થાય છે. આ ખાતામાં તા. 01-01-2025 થી 20-09-2026 દરમ્યાન સાયબર છેતરપીંડી સબંધિત 1,03,996ના વ્યવહારો થયેલાનું સામે આવ્યું છે. તેમજ આરોપી કાલીચરણ શ્રીરામ રાઠોડ અને અવધેશ બચ્ચનસિંહ નારણસિંહ ગુર્જર દ્વારા ઉપયોગમાં લેવાતા INDUSLND BANK ના ખાતા અંગે NCCRP પોર્ટલ પર ૨ ફરિયાદો મળી આવી છે. જેમાં સુરતની ફરિયાદ અને પશ્ચિમ બંગાળની 58,970 રૂપિયાની ફરિયાદનો સમાવેશ થાય છે. આ ખાતામાં તા. 01-01-2025 થી 20-09-2026 દરમ્યાન 1,04,172 રૂપિયાના વ્યવહારો થયેલા છે
આ ઉપરાંત આરોપી પ્રશાંત દિનેશ માતાદિન શર્માના INDUSIND BANK ખાતા અંગે NCCRP પોર્ટલ પર 1 ફરિયાદ નોંધાયેલી છે જેમાં ઓટીપી વિના રૂ.9.02 લાખ રૂપિયાની છેતરપીંડી દર્શાવેલી છે. આ ખાતામાં 1-1-2025 થી 20-09-2026 દરમ્યાન 1,08,002 રૂપિયાના વ્યવહારો થયેલાનું તપાસ દરમ્યાન જણાય આવ્યું છે.
