સુરતમાં ફ્રીમાં હોલિવૂડ ફિલ્મો જોવાની લાલચ ભારે પડી, ફેક એપ ડાઉનલોડ કરતાં ખાતામાંથી રૂ. 80 હજાર ગાયબ

એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી હોલિવૂડ મૂવીઝ ફ્રીમાં જોઈ શકાશે તેવી એક લોભામણી જાહેરાત જોવા મળી હતી. આ એડવર્ટાઇઝમેન્ટથી આકર્ષાઈને તેમણે તરત જ પોતાના ફોનમાં આ નકલી એપ ડાઉનલોડ કરી લીધી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 08 Nov 2026 03:08 PM (IST)Updated: Sun, 08 Nov 2026 03:08 PM (IST)
cyber-fraud-in-surat-man-loses-rs-80000-in-fake-hollywood-movie-app-scam

Cyber Fraud in Surat: શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં સાયબર ફ્રોડની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સોશિયલ મીડિયા પર ફ્રીમાં હોલિવૂડ મૂવીઝ જોવાની લાલચ એક આધેડ નાગરિકને ભારે પડી છે. ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરવાના ચક્કરમાં તેમણે પોતાની મહેનતની કમાણીના 80 હજાર રૂપિયા ઓનલાઈન છેતરપિંડીમાં ગુમાવવાનો વારો આવ્યો છે.

મૂળ ભાવનગર જિલ્લાના વલભીપુરના વતની અને હાલ જહાંગીરાબાદ કેનાલ રોડ પર રહેતા 48 વર્ષીય આધેડ ગત 30 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને સોશિયલ મીડિયા પર 'Tubi TV' નામે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી હોલિવૂડ મૂવીઝ ફ્રીમાં જોઈ શકાશે તેવી એક લોભામણી જાહેરાત જોવા મળી હતી. આ એડવર્ટાઇઝમેન્ટથી આકર્ષાઈને તેમણે તરત જ પોતાના ફોનમાં આ નકલી એપ ડાઉનલોડ કરી લીધી હતી.

એપ ડાઉનલોડ કર્યાના બીજા દિવસે જ્યારે આધેડે પોતાના બેંક ઓફ બરોડા (BOB) ના ખાતામાંથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરી રહ્યા હતા, ત્યારે સાચો પિન નંબર નાખવા છતાં ટ્રાન્ઝેક્શન સતત 'ફેલ' બતાવી રહ્યું હતું. આ ટેકનિકલ ખામી લાગતા તેમને શંકા ગઈ હતી. ત્યારબાદ 2 જૂનના રોજ જ્યારે તેમણે બેંકમાં જઈને ખાતાની તપાસ કરાવી ત્યારે તેમને મોટો આઘાત લાગ્યો હતો કારણ કે તેમના ખાતામાંથી કોઈ અજાણ્યા શખ્સે 80 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા અને ખાતામાં માત્ર 559.74 રૂપિયા જ બાકી બચ્યા હતા.

સમગ્ર મામલે છેતરપિંડીનો ભોગ બનેલા વિજયભાઈએ ત્વરિત પગલાં રૂપે સાયબર ક્રાઈમની રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરીને પોતાની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે સોશિયલ મીડિયા પર આવતી શંકાસ્પદ લિંક્સ કે ફ્રી ઓફર્સથી સાવચેત રહેવું કેટલું જરૂરી છે.