Surat: સુરત શહેરમાં ભાજપના વોર્ડ નંબર 12ના મહામંત્રી વિજય મોદી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. પોલીસે ભાજપ નેતાના ઘરમાં દરોડો પાડીને રૂ.2.65 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે તેના પુત્રને વૉન્ટેડ જાહેર કર્યો છે.
ભાજપ નેતાએ દારૂના પેકિંગ અને વેચાણ માટે રાખેલ ઈસમ પણ ઝબ્બે
હકીકતમાં લાલગેટ પોલીસને બાતમી મળી હતી કે, ખાંડ બજાર SMC પાર્કિંગની પાછળ ભાજપ નેતા વિજય મોદી અને તેમનો પુત્ર રાજ મોદી નામના ઈસમો પોતાના ઘરમાં ઈંગ્લિશ દારૂ રાખીને તેનું વેચાણ કરે છે. હાલ પગથિયા પાસે દારૂનું પેકિંગ ચાલી રહ્યું છે.
આ બાતમીના આધારે લાલગેટ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ઘરમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની અલગ-અલગ બ્રાન્ડની કુલ 645 બોટલો મળી આવી હતી. આ સાથે જ બે મોબાઈલ ફોન સહિત કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ સાથે જ પોલીસે સ્થળ પરથી વિજય મોદી (62) તેમજ દારૂના પેકિંગ તેમજ વેચાણ માટે રાખેલા કરણ પાનવાલાને ઝડપી પાડ્યા હતા. જ્યારે આરોપી વિજય મોદીના પુત્ર રાજને વૉન્ટેડ જાહેર કર્યો છે. આ સમગ્ર મામલે લાલગેટ પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર ભાજપ પ્રમુખે વિજય મોદીને નોટિસ ફટકારી જવાબ માંગ્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી વિજય મોદી ભાજપમાં વોર્ડ નંબર 12ના મહામંત્રી છે. તેમજ અગાઉ ચોકબજાર પોલીસ મથકમાં એક તેમના વિરુદ્ધ એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. જ્યારે બીજા આરોપી કરણ પાનવાલા સામે પણ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો નોંધાયો હતો.
આ સિવાય વિજય મોદીના પુત્ર રાજ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હાલ પોલીસ પકડથી દૂર રહેલ રાજ મોદી વિરુદ્ધ પ્રોહીબિશનના 11 ગુના નોંધાયેલા છે. આ સિવાય 2021માં લાલગેટ અને 2023માં રાંદેર પોલીસ દ્વારા રાજ મોદી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
ભાજપના વોર્ડ 12ના મહામંત્રી દારૂના જથ્થા સાથે ઝડપાયા બાદ સુરત શહેર ભાજપ પ્રમુખ દ્વારા નોટિસ ફટકારીને 7 દિવસમાં લેખિત ખુલાસો કરવા જણાવાયું છે, નહીંતર શિસ્તભંગના પગલા લેવામાં આવશે.
