Surat News: સુરત શહેરના વરાછા રોડ વિધાનસભા બેઠકના ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો છે.
આ પત્રમાં તેમણે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સમસ્યા, ટ્રાફિક સિગ્નલનો અમલ કરાવવાની જગ્યાએ અને અન્ય વાહનો સામે કાર્યવાહી કરવાને બદલે માત્ર ટુવ્હીલર ચાલકો પાસેથી ઉઘરાવવામાં આવતા દંડના ઉઘરાણા બંધ કરાવવા રજૂઆત કરી છે. પત્રમાં તેમણે 8 વેધક સવાલો પૂછ્યા છે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશ્નરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વરાછા રોડ પર ખાંડ બજાર, ભવાની સર્કલ, સરસ્વતી સર્કલ, કાપોદ્રા જેવા અનેક જગ્યાએ પોલીસના ટોળા દંડ ઉઘરાવતા નજરે પડે છે. લોકો નિયમનો ભંગ કરે તો તેનો દંડ કરવો તે બરાબર છે, પરંતુ આ કાર્યવાહી ફક્ત ને ફક્ત ટુ-વ્હીલર ઉપર જ કેમ એ પ્રશ્ન ઉભો થાય છે.
નિયમોનો ભંગ માત્ર બાઈક ચલાવનાર સામાન્ય ગરીબ માણસ જ કેમ દંડનો ભોગ બને છે. તેમણે પોલીસ વિભાગની કામગીરી સામે 8 વેધક સવાલો ઉભા કર્યા હતા.
1. સિગ્નલ તોડનારા લોકો બેફામ બન્યા છે. સિગ્નલનું મેન્ટેનન્સ થતું નથી. ટાઈમિંગના ઠેકાણા નથી. સિગ્નલના પ્રોજેક્ટનું બાળમરણ થયું છે. તેનું શું ? શું?
2. પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો, ડમ્પરો બેફામ દોડે છે. તેની સામે કોઈ કાર્યવાહી કેમ નહિ?
3. ટ્રેકટરો, ટ્રકો રેતી-માટીના ખુલ્લા વાહનો દોડે છે. તેની સામે કાર્યવાહી કેમ નહિ ?
4. પ્રાઇવેટ બસો તેમજ મોટા વાહનો બેફામ એર હોર્નનો ઉપયોગ કરી લોકોને પરેશાન કરે છે. તેની સામે કાર્યવાહી કેમ નહિ?
5. તમામ રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ થાય તેમ વાહનો બેફામ પાર્ક થાય છે. તેની સામે કાર્યવાહી કેમ નહિ?
6. નંબર વગરની રીક્ષાઓ અને રીક્ષામાં વધારે ભરતા પેસેન્જર બેફામ ચાલે છે. તેની સામે કાર્યવાહી કેમ નહિ?
7. ચાર રસ્તા, ત્રણ રસ્તા ઉપર રોડ બંધ કરી ઉભી રહેતી રીક્ષાની સામે કાર્યવાહી કેમ નહિ?
8. દબાણોને કારણે થતી ટ્રાફિક દુર કરવાનું કામ પોલીસ વિભાગ કેમ કરતી નથી ?
આવા અનેક પ્રશ્નો છે જે પોલીસ વિભાગની જવાબદારી હોવા છતાં કરતી નથી. જયારે ફક્ત સામાન્ય ગરીબ બાઈક ચાલકને નિયમોના ભંગ બદલ બેફામ ટોળામાં દંડ ઉઘરાવતા જોવ છું. ત્યારે મારા મનમાં આ પ્રશ્ન ઉભો થાય છે. કે દંડનો ભોગ ફક્ત સામાન્ય ગરીબ માણસ બાઈક વાળા જ કેમ બને છે. આ પ્રશ્નનો મને યોગ્ય જવાબ મળે તેવી આશા રાખું છું
