'એક છોટી સી લવ સ્ટોરી..!' પ્રેમમાં ગળાડૂબ વીરપુરનો સગીર અને મધ્ય પ્રદેશની યુવતી લગ્ન કરવા ઘરેથી ભાગ્યા, સુરત રેલવે સ્ટેશને પકડાયા

સગીરના પરિવારજનોએ વીરપુર પોલીસ મથકમાં દીકરો ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. વેઈટિંગ રૂમમાં એકલા બેઠેલા પ્રેમી પંખીડા પર શંકા જતાં પોલીસે પુરાવા માંગતા ભાંડો ફૂટ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 10 Mar 2026 05:57 PM (IST)Updated: Tue, 10 Mar 2026 05:57 PM (IST)
surat-news-minor-boy-and-21-year-old-woman-run-away-to-marry-after-instagram-love-caught-from-railway-station
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • 16 વર્ષીય સગીર અને 21 વર્ષીય જામ્બુવાની યુવતી ઈન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં આવ્યા હતા
  • યુવતીના પરિવારજનોએ બીજા યુવક સાથે લગ્ન નક્કી કરી નાંખતા 6 માર્ચે બન્ને ભાગ્યા

Surat: કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના વીરપુર ખાતે રહેતો 16 વર્ષનો સગીર અને મધ્ય પ્રદેશની વતની એવી 21 વર્ષીય યુવતી ઈન્સ્ટગ્રામ પરથી એકબીજાના પ્રેમમાં પડ્યા બાદ ઘરેથી ભાગી ગયા હતા. જો કે સુરત રેલ્વે સ્ટેશન પર પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતા.

સુરત રેલવે સ્ટેશનના વેઈટિંગ રૂમમાં યુવતી અને સગીર ગભરાઈ ગયા

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના જનરલ વેઈટિંગ રૂમમાં એક યુવતી અને સગીરને એકલા બેઠેલા જોતા પોલીસને તેમના પર શંકા ગઈ હતી. આથી પોલીસે તેમની પાસે જઈને આધાર પુરાવા માંગતા તેઓ ગભરાઈ ગયા હતા. આખરે પૂછપરછમાં બન્ને પ્રેમી પંખીડા હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, પકડાયેલી 21 વર્ષીય યુવતી મૂળ મધ્ય પ્રદેશના ઝામ્બવાની વતની છે, જ્યારે તેની સાથે રહેલ 16 વર્ષીય સગીર રાજકોટનો વતની છે. આજથી દોઢેક વર્ષ પૂર્વે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ થકી બન્નેનો પરિચય થયો હતો. જે બાદ ચેટીંગ પર વાતચીત દરમિયાન બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા.

આ બાબતની જાણ થતાં યુવતીના પરિવારજનોએ તેના અન્ય ઠેકાણે લગ્ન નક્કી કરી નાંખ્યા હતા. આથી યુવતી અને સગીર લગ્ન કરવાના ઈરાદે ગત 6 માર્ચના રોજ ઘરેથી કોઈને જાણ કર્યાં વિના મુંબઈ ભાગી ગયા હતા. જ્યાંથી સુરત પરત ફર્યા હતા.

જ્યારે સગીરના પરિવારે જણાવ્યું કે, અમારો દીકરો 6 માર્ચે ઘરેથી કોઈને કહ્યા વિના જતો રહ્યો હતો. જે બાદ શોધખોળ છતાં તેની કોઈ ભાળ ના મળતા આખરે વીરપુર પોલીસ મથકમાં દીકરાના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. હાલ તો સુરત રેલવે પોલીસની SHE ટીમ દ્વારા યુવતી અને સગીરનો કબજો વીરપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.