ખાનગી સ્કૂલોની ઉઘાડી લૂંટ રોકવા FRCની લાલઆંખઃ ફીના નિયમોનું ઉલ્લંઘન કરનારી ગુજરાતની 10થી વધુ શાળાઓ સામે દંડાત્મક કાર્યવાહી

પ્રથમવાર ફરિયાદ મળે તો 5 લાખનો દંડ, બીજીવારમાં રૂ. 10 લાખ અને ત્રીજી ફરિયાદ મળે તો શાળાની માન્યતા રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 10 Mar 2026 05:22 PM (IST)Updated: Tue, 10 Mar 2026 05:22 PM (IST)
gandhinagar-news-over-10-schools-penalised-for-violating-fee-regulations
HIGHLIGHTS
  • વિધાનસભા ગૃહમાં મંત્રી રિવાબા જાડેજાનો જવાબ
  • શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા અને ફી નિયમન માટે FRC સમિતિ થકી કડક અમલવારી

Gandhinagar: ગુજરાતની સ્વનિર્ભર શાળાઓમાં ફીના નામે થતી ઉઘાડી લૂંટ રોકવા માટે રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી છે. વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ સ્પષ્ટ કર્યું હતું કે, ફી રેગ્યુલેટરી કમિટી (FRC) ના નિયમોનું ઉલ્લંઘન કરનારી શાળાઓ સામે સરકાર લાલ આંખ કરશે.

ગુજરાતની કોઈપણ શાળા ફી નિયમોનું ઉલ્લંઘન કરે અથવા વાલીઓ તરફથી ફરિયાદ મળે તો, ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં પ્રથમ વાર ફરિયાદ મળે તો રૂ. 5 લાખ સુધીનો દંડ, બીજી વાર રૂ. 10 લાખ સુધીનો દંડ અને જો ત્રીજી વાર ફરિયાદ મળે તો શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ફી નિયમોનું ઉલ્લંઘન કરનારી 10થી વધુ શાળાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, તેમ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું.

રિવાબા જાડેજાએ જણાવ્યુ કે, ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને વાલીઓને ફી બાબતે પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રાજ્યમાં તા. 27 એપ્રિલ, 2017થી ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ની રચના કરવામાં આવી છે.

CBSE હોય કે ICSE, હવે તમામ સ્કૂલો પર FRCની નજર

આ સમિતિના કાર્યક્ષેત્રમાં રાજ્યની પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સહિત તમામ પ્રકારની સ્વનિર્ભર શાળાઓનો સમાવેશ થાય છે. ગુજરાત બોર્ડ ઉપરાંત CBSE અને ICSE જેવા તમામ બોર્ડ સાથે જોડાયેલી સ્વનિર્ભર શાળાઓ તેમજ ગ્રાન્ટેડ શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વાલીઓની સુવિધા અને પારદર્શિતા માટે સમગ્ર પ્રક્રિયાને ઓનલાઇન કરવામાં આવી છે. કોઈપણ શાળાની નિયત થયેલી ફીની વિગતો વાલીઓ FRCના ઓનલાઈન પોર્ટલ પરથી મેળવી શકે છે.

આ ઉપરાંત શાળાઓનું સમયાંતરે ચેકિંગ અને ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા દ્વારા સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. વધુમાં, જો કોઈ વાલી પોતાનું નામ જાહેર કર્યા વગર પણ ફરિયાદ કરે તો શિક્ષણ વિભાગ તેની ગંભીરતાથી નોંધ લઈને જે તે શાળા સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરે છે.