શિક્ષણ વિભાગના પડતર પ્રશ્નોને લઈને 23 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં મળશે મહત્વની બેઠક, શિક્ષણ મંત્રી સંભાળશે મોરચો

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં 23 સપ્ટેમ્બરે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના પડતર પ્રશ્નો અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 21 Sep 2026 10:38 PM (IST)Updated: Mon, 21 Sep 2026 10:38 PM (IST)
gujarat-education-minister-to-chair-key-meeting-on-pending-issues

Gujarat Education Dept: ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો અને કર્મચારીઓની લાંબા સમયથી અટવાયેલી રજૂઆતોના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. આગામી 23 સપ્ટેમ્બર 2026, બુધવારના રોજ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1 ખાતે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

કયા સંગઠનોના પ્રશ્નો પર થશે ચર્ચા?

આ બેઠકમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના વિવિધ સંગઠનો ભાગ લેવાના છે. જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, નગર પ્રાથમિક શિક્ષક સંઘ, એચટીએટ (HTAT) સંઘ, શિક્ષણ સેવાઓ કર્મચારી મંડળ, શાળા સંચાલક મહામંડળ, આચાર્ય સંઘ તેમજ કોલેજ અને પોલિટેકનિક અધ્યાપક મંડળો સહિતના અનેક મહામેળો અને સંગઠનોના હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પર ગહન ચર્ચા કરવામાં આવશે.

સમય અને બેઠકનું આયોજન

મળતી માહિતી મુજબ, આ બેઠકનું આયોજન તબક્કાવાર કરવામાં આવ્યું છે.

  • પ્રાથમિક અને માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ: બપોરે 3:00 થી 5:00 કલાક દરમિયાન.
  • ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ: સાંજે 5:00 થી 6:00 કલાક દરમિયાન.

શિક્ષણ વિભાગના સંબંધિત ઉચ્ચ અધિકારીઓને પણ આ બેઠકમાં પોતપોતાના વિભાગની ચાલુ કામગીરી અને જરૂરી પુરાવાઓ સાથે હાજર રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે, જેથી શિક્ષકો અને કર્મચારીઓના પડતર પ્રશ્નોનો વહેલી તકે કાયમી ઉકાળ આવી શકે.