Surat: મોટા વરાછાની હાઈરાઈઝ બિલ્ડિંગના 12માં માળે ભીષણ આગ, હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ફસાયેલા રહીશોનું દિલધડક રેસ્ક્યુ

સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક હાઈરાઈઝ બિલ્ડિંગના 12મા માળે ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગે હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી 100 વર્ષીય વૃદ્ધા સહિત 8 લોકોને સુરક્ષિત બચાવ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 08 Nov 2026 07:27 PM (IST)Updated: Sun, 08 Nov 2026 07:27 PM (IST)
surat-news-massive-fire-breaks-out-at-river-view-heights-in-mota-varachha-8-rescued

Surat: શહેરના મોટા વરાછા વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના 12માં માળે લાગેલી આગના કારણે અફરાતફરી મચી જવા પામી હતી. જો કે ફાયર વિભાગ દ્વારા 8 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મોટા વરાછા વિસ્તારના પેડર રોડ પર આવેલ 'રિવર વ્યૂ હાઈટ્સ' નામની હાઈરાઈઝ્ડ બિલ્ડિંગના 12માં માળે આવેલા ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા ઉડતાં એપાર્ટમેન્ટમાં નાસભાગ મચી જવા પામી હતી.

આ બાબતની જાણ થતાં સુરત મનપાના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર સહિતનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો. 15થી વધુ ફાયર ટેન્ડરો સાથે હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ હોવાથી હાઈડ્રોલિક પ્લેટફોર્મ પણ સ્થળ પર મોકલી દેવામાં આવ્યું હતુ.

12માં માળે લાગેલી આગ 13માં માળ સુધી પ્રસરી જતાં અનેક રહીશો ફસાઈ ગયા હતા. જેથી ફાયર બ્રિગેડની ટીમે હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ફસાયેલા 100 વર્ષીય વૃદ્ધા સહિત 8 જેટલા લોકોને સુરક્ષિત નીચે ઉતારી દીધા હતા.


ફાયર વિભાગ દ્વારા સતત 2 કલાક સુધી પાણીનો મારો ચલાવીને ભારે જહેમતે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ જે ફ્લેટમાં આગ લાગી હતી, તેમાં રહેલી ઘરવખરી બળીને સંપૂર્ણ રાખ થઈ ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. ખાસ વાત એ છે કે, આજ બિલ્ડિંગના પહેલા માળે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું ઘર આવેલું છે.