Bhavnagar Overbridge: PM મોદીના દૂરંદેશી માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ, કનેક્ટિવિટી અને જનકલ્યાણના કાર્યો અભૂતપૂર્વ ઝડપે આગળ વધી રહ્યા છે. ભાવનગર શહેરમાં પણ આધુનિક રસ્તાઓ અને ઓવરબ્રિજના નિર્માણ દ્વારા ટ્રાફિકમુક્ત અને સુગમ વાહનવ્યવહારની નવી દિશા કંડારાઈ રહી છે.
આ વિકાસયાત્રાને વધુ બળ આપતાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરમાં વાહનવ્યવહારને અત્યંત સુગમ અને કાયમી ધોરણે ટ્રાફિકમુક્ત બનાવવા માટે કરોડોના ખર્ચે આકાર પામનારા બે મહત્વકાંક્ષી ઓવરબ્રિજ પ્રોજેક્ટ્સની વિગતો જાહેર કરી છે.
નારી ચોકડીથી વરતેજ સુધી રૂ. 650 કરોડનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેગા ઓવરબ્રિજ:
ભાવનગર શહેરના પ્રવેશદ્વાર સમાન નારી ચોકડીથી શરૂ થઈને સીધા વરતેજ સુધી નીકળતો ભાવનગરનો સૌથી મોટો અને આધુનિક મેગા ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિશાળ ઓવરબ્રિજના નિર્માણ માટે અંદાજે રૂ. 650 કરોડના ખર્ચે ઓનલાઈન ટેન્ડર ફ્લોટ કરી દેવામાં આવ્યું છે.
આ મહત્વકાંક્ષી પ્રકલ્પમાં નેશનલ હાઈવે ઓથોરિટી, રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ તથા ભાવનગર મહાનગરપાલિકા સંયુક્ત રીતે સહયોગ કરશે. અગાઉ પૂર્ણ થયેલા બ્રિજનો લાભ હાલ લાખો વાહનચાલકો મેળવી રહ્યા છે, ત્યારે આ નવો ફ્લાયઓવર તૈયાર થતાં જ નારી ચોકડી અને વરતેજ તરફના જટિલ ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
કુંભારવાડા ફાટક ખાતે ઓવરબ્રિજ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય:
ભાવનગરના ઔદ્યોગિક અને શ્રમજીવી વિસ્તાર ગણાતા કુંભારવાડા ખાતે રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો તેમજ નાના-મોટા ઉદ્યોગકારો અને વેપારીઓની માંગણીનો ઉકેલ આવ્યો છે. ભાવનગરમાં ટ્રેન વ્યવહાર શરૂ થયો ત્યારથી જ કુંભારવાડા ફાટક ખાતે લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. અગાઉ અંડરપાસ બનાવવામાં આવ્યો હોવા છતાં ટ્રાફિકની જટિલ સમસ્યા યથાવત રહી હતી.
વડાપ્રધાનના દેશવ્યાપી 'ફાટક મુક્ત ભારત' અભિયાન હેઠળ રાજ્ય સરકાર અને ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કુંભારવાડા ફાટક પર નવો ઓવરબ્રિજ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વાહનચાલકોની અનુકૂળતા માટે બ્રિજ પર સરળતાથી ચડી અને ઉતરી શકાય તે રીતે બે ભાગમાં દ્વિ-માર્ગી ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. આ ઓવરબ્રિજ બનવાથી કુંભારવાડા વિસ્તારના શ્રમજીવી ભાઈ-બહેનો, વેપારીઓ અને દૈનિક વાહનચાલકોના સમય અને ઇંધણ બંનેની બચત થશે.
