ગીર સોમનાથ: ઉનાના ચીખલી ગામે પેટ્રોલના કેનમાં બ્લાસ્ટ, બે સંતાન સહિત માતા-પિતા દાઝ્યા

પ્રાથમિક તપાસ અનુસાર, બાઈકમાં પેટ્રોલ ભરતા સમયે દીવામાં સ્પાર્ક થતાં આગ લાગી હોવાની માહિતી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 07 Nov 2026 05:11 PM (IST)Updated: Sat, 07 Nov 2026 05:11 PM (IST)
una-chikhli-village-petrol-can-blast-four-family-members-burnt-gir-somnath-news

Gir Somnath News: ઉના તાલુકાના ચીખલી ગામે ઘરની ઓસરીમાં બાઈકમાં પેટ્રોલ ભરવાની કામગીરી દરમિયાન અચાનક આગ લાગ્યા બાદ વિસ્ફોટ થયો હતો. આ બનાવમાં પરિવારના ચાર સભ્યો દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પિતા અને માત્ર બે વર્ષના પુત્રની હાલત ગંભીર હોવાથી  ભાવનગર રિફર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચીખલી ગામે રહેતા દિનેશભાઈ ઉર્ફે બિજલભાઈ ચૌહાણની 14 વર્ષીય પુત્રી દર્શનાબેન ઘરની ઓસરીમાં બાઈકમાં પેટ્રોલ ભરી રહી હતી. આ સમયે ઘરની ઓસરીમાં દિવાળીનો દીવો તેમજ અન્ય કેટલીક વસ્તુઓ પણ રાખવામાં આવી હતી. પેટ્રોલ ભરતી વખતે પેટ્રોલનો છંટકાવ નજીકમાં રહેલા દીવા પર થતા અચાનક આગ લાગી હતી.

આગ લાગતા જ દર્શનાબેન ગભરાઈને બહાર નીકળી ગઈ, પરંતુ નજીકમાં જ આશરે 20 લીટર પેટ્રોલ ભરેલો કેન રાખવામાં આવ્યો હોવાથી આગ વધુ ભયાનક બની હતી. આગની જ્વાળા પેટ્રોલના કેન સુધી પહોંચતા જ જોરદાર ધડાકા સાથે કેનમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘરના રૂમ સુધી પ્રસરી ગઈ હતી.

આ સમયે રૂમમાં બેઠેલો માત્ર બે વર્ષનો પુત્ર આગની લપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. આગની જ્વાળા અને બ્લાસ્ટના કારણે ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન, ઘટનાની જાણ થતાં દુકાનેથી દિનેશભાઈ ઘરે દોડી આવ્યા અને પોતાના પુત્રને આગથી બચાવવા માટે જીવના જોખમે આગથી ઘેરાયેલા રૂમમાં ઘૂસી ગયા અને દક્ષને બહાર કાઢ્યો હતો.

પુત્રને બચાવવા માતા સમજુબેન પણ આગની વચ્ચે પહોંચી ગયા હતા. આ રીતે પરિવારના ચારેય સભ્યો આગની ઝપેટમાં આવી જતાં દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. પરિવારના ચારેય ઈજાગ્રસ્તોને સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. જોકે, દિનેશભાઈ અને તેમના બે વર્ષના પુત્ર દક્ષની દાઝી જવાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સઘન સારવારનીજરૂરિયાત હોવાથી બંનેને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સમજુબેન અને દર્શનાબેનની ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.