Surat: શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલ ચાર માળની બિલ્ડિંગમાં લિફ્ટના પેસેજમાં યુવકે ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ તેની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના વી.આર. મૉલ નજીક રહેતા મહેન્દ્ર તુરી (30) નામના યુવકે ગઈકાલે રાતે ઈચ્છાપોર વિસ્તારમાં આવેલ ચાર માળની બિલ્ડિંગમાં લિફ્ટના પેસેજમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ બાબતની જાણ થતાં દોડી આવેલી ઈચ્છાપોર પોલીસે મહેન્દ્રના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક મહેન્દ્રએ જે બિલ્ડિંગમાં અંતિમ પગલું ભર્યું, ત્યાં રહેતી સગીરા સાથે પ્રેમ સબંધ હતો. આ બાબતની સગીરાના પરિવારજનોને જાણ થઈ જતાં ગત માર્ચ મહિનામાં તેમણે મહેન્દ્ર વિરુદ્ધ પોસ્કોનો કેસ પણ કર્યો હતો. જો કે ગત મહિને બન્ને પક્ષે સમાધાન પણ થઈ ગયું હતુ. ગઈકાલે રાતે મહેન્દ્ર ફરીથી પોતાની સગીર પ્રેમિકાને મળવા માટે તે બિલ્ડિંગમાં પહોંચ્યો હતો. જ્યાં ટેરેસ પર આવેલા લિફ્ટના પેસેજમાં વાયર વડે ગળે ફાંસો ખાઈને લટકી ગયો હતો.
બીજી તરફ મૃતકના પરિવારજનોએ સગીર પ્રેમિકાના પરિવારજનો પર આક્ષેપ કરતા જણાવ્યું કે, તેમણે અગાઉ મહેન્દ્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી તેમણે મહેન્દ્રની હત્યા કરીને તેની લાશને લિફ્ટના પેસેજમાં લટકાવી દીધી છે. હાલ તો પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જે આવ્યા બાદ મહેન્દ્રના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.
