OMG News: 'સંજોગ કે શ્રાપ..!' હિમાચલના આ ગામમાં સેંકડો વર્ષોથી નથી મનાવાતી દિવાળી, પ્રકાશના પર્વે ગ્રામજનો ઘરમાં પુરાઈને રહેવા મજબૂર

જો કે ભૂલથી પણ કોઈ પરિવારે ઘરમાં મિષ્ટાન બનાવ્યું કે, ફટાકડા ફોડ્યા, તો ગામમાં આપત્તી આવે છે અને કોઈને કોઈનું અકાળે મોત થઈ જાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 31 Oct 2024 09:43 PM (IST)Updated: Thu, 31 Oct 2024 09:43 PM (IST)
omg-news-no-diwali-celebration-in-sammu-village-of-himachal-pradesh

OMG News: આજે સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. બીજી તરફ હિમાચલ પ્રદેશનું એક ગામ એવું છે, જ્યાં સેંકડો વર્ષોથી દિવાળીનો તહેવાર મનાવવામાં નથી આવતો. દિવાળીના દિવસે આ ગામના લોકો પોતાના ઘરોમાં પુરાઈને રહે છે. જેની પાછળ પ્રાચીન શ્રાપ છે, જેણે આ ગામના લોકોને પ્રકાશના પર્વથી દૂર રાખ્યા છે.

હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં આવેલ સમ્મુ ગામમાં દિવાળીના પર્વ પર કોઈ રોનક જોવા નથી મળતી. આ દિવસોમાં ગામના કોઈ ઘરમાં કોઈપણ પ્રકારની મીઠાઈઓ પણ નથી બનાવવામાં આવતી.

ગામના લોકોનું માનવું છે કે, દિવાળીની રાતે દીવા તો પ્રગટાવવા આવે છે. જો કે ભૂલથી પણ કોઈ પરિવારે ઘરમાં મિષ્ટાન બનાવ્યું કે, ફટાકડા ફોડ્યા, તો ગામમાં આપત્તી આવે છે અને કોઈને કોઈનું અકાળે મોત થઈ જાય છે.

અગાઉ ઘણી વખત ગ્રામજનોએ આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે પ્રયત્ન કરી જોયો, પરંતુ તેમાં સફળતા નથી મળતી. આજે પણ આ ગામમાં પ્રાચીન શ્રાપનો એટલો ખૌફ છે કે, દિવાળીના દિવસે લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરે છે. આને સંજોગ ગણો કે શ્રાપ, પરંતુ દિવાળીના મહિનામાં આ ગામમાં કોઈને કોઈ વ્યક્તિ અકાળે મોતને ભેટે છે.

લોકવાયકા અનુસાર, દિવાળીના દિવસે આ ગામની એક મહિલા પોતાના પતિ સાથે સતી થઈ ગઈ હતી. આ ગર્ભવતી મહિલા દિવાળીનો તહેવાર ઉજવવા માટે પોતાના પિયર જવા માટે નીકળી હતી. જ્યારે તેનો પતિ તે સમયના રાજાની સેનામાં સૈનિક હતો. મહિલા ગામથી થોડે દૂર પહોંચી હશે, ત્યાં સામેથી તેના પતિની લાશ લઈને ગામ તરફ લોકો આવી રહ્યા હતા. મહિલા આ આઘાત સહન ના કરી શકી અને તેણે પોતાની પતિની ચિતામાં પડતુ મૂકીને સતી થઈ ગઈ.

આ મહિલા જતા-જતા ગામને શ્રાપ આપીને ગઈ હતી કે, આ ગામના લોકો ક્યારેય દિવાળીનો તહેવાર નહીં મનાવી શકે. બસ ત્યારથી લઈને આજ સુધી આ ગામમાં દિવાળી નથી ઉજવવામાં આવતી. આ દિવસે ગામના લોકો માત્ર સતીની મૂર્તિની પૂજા જ કરે છે.