Surat: બારડોલીની ઉકાઈ નહેરમાં મહારાષ્ટ્રના શ્રમજીવી પરિવારને જીવતો ફેંકી દેવાયો, માતા-પિતા સહિત 3ના મૃતદેહ મળ્યા, બે બાળકો પાણીમાં ગુમ

સુરતના બારડોલી નજીક ઉકાઈ નહેરમાં મહારાષ્ટ્રના એક શ્રમિક પરિવારને જીવતો ફેંકી દેવાયો હતો, જેમાં માતા-પિતા સહિત ત્રણના મૃતદેહ મળ્યા છે. એક 13 વર્ષીય સગીરનો ચમત્કારિક બચાવ થયો છે, જ્યારે બે બાળકો હજુ લાપત્તા છે અને પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 24 Nov 2026 09:07 PM (IST)Updated: Tue, 24 Nov 2026 09:07 PM (IST)
surat-news-maharashtra-family-member-thrown-in-to-ukai-canal-in-bardoli-3-deadbody-found

Surat News: સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં એક કાળજું કંપાવી નાંખતો બનાવ સામે આવ્યો છે. જેમાં ઉવા અને સેજવાળ ગામ નજીક પસાર થતી ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠાની નહેરમાં મહારાષ્ટ્રના શ્રમિક પરિવારના સભ્યોને જીવતા ફેંકી દેવામાં આવ્યા છે. જે પૈકી મહુવાની નહેરમાંથી માતા-પિતા સહિત 3 લોકોના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 13 વર્ષીય સગીરનો ચમત્કારિક બચાવ થયો છે. જો કે હજુ પણ બે બાળકો લાપત્તા થતાં તેમની શોધખોળ ચાલી રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો વતની અને એરંડોલ ખાતે ફેક્ટરીમાં મજૂરી કરતો પરિવાર ગત 21 નવેમ્બરે કારમાં મજૂરીકામ માટે સુરત આવવા નીકળ્યો હતો. જેવી તેમની કાર બારડોલીના ઉવા શહેર નજીક પહોંચી, ત્યારે અન્ય એક કારમાં આવેલા 4 જેટલા ઈસમોએ તેમને આંતર્યા હતા. આ શખ્સોએ પરિવારના સભ્યોને કારમાંથી નીચે ઉતારીને નજીકમાંથી પસાર થતીં ઉકાઈ ડાબા કાંઠાની નહેરના પાણીમાં જીવતા ફેંકી દીધા હતા.

પરિવારના સગીરે નહેરમાં પાઈપ પકડી લેતા તેનો જીવ બચી ગયો

જો કે પરિવારના એક સગીરના હાથમાં નહેરમાં રહેલી પાઈપ આવી જતા, તેણે પકડી લીધી હતી. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. જેમ-તેમ કરીને પાણીની બહાર નીકળેલા સગીરે નજીકની હોટલ પાસે પહોંચીને સમગ્ર આપવીતી જણાવતા મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે નહેરમાં શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન મહુવા તાલુકાના ડુંગરી નજીકની નહેરમાંથી સગીરના માતા કવિતા પાટીલ, પિતા નીતિન પાટીલ અને નાની બહેન સહિતના ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ પણ બે બાળકો નહેરમાં લાપત્તા હોવાથી ફાયર વિભાગની ટીમ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આ નહેર આગળ જતાં જલાલપોર અને નવસારીમાંથી પસાર થતી હોવાથી, ત્યાં પણ સ્થાનિક પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે.

આરોપીઓની ધરપકડ માટે પોલીસની અલગ-અલગ ટીમો દોડતી થઈ

આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારની મહારાષ્ટ્રમાં રહેતી પુખ્ત વયની પુત્રીની ફરિયાદના આધારે ખંડિયો, આભો, બંટી અને અજાણ્યા ઈસમ સહિત કુલ 4 આરોપીઓ વિરુદ્ધ બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તો આરોપીઓની ધરપકડ માટે SOG, LCB, પેરોલ ફર્લો સહિતની ટીમોને કામ લગાડવામાં આવી છે. તેમજ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.