Surat: 'ચાર-ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ…' અને 'અમે ગુજરાતી લહેરી લાલા' જેવા ગીતથી ગુજરાતભરમાં જાણીતી થયેલી 'ગરબા ક્વિન' કિંજલ દવેના નવરાત્રિના કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સુક્તા જોવા મળતી હોય છે. નવરાત્રીને હજુ સવા મહિનાની વાર છે, ત્યારે આ વખતે પ્રથમ વખત કિંજલ દવે નવરાત્રિના 10 દિવસ સુધી સુરતી ખેલૈયાઓને ડોલાવા જઈ રહી છે.
હકીકતમાં યશ્વી એન્ટરટેઈનમેન્ટ દ્વારા આ વખતે સુરતના પાલ વિસ્તારમાં AC ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે નવરાત્રી વખતે ગરબાનું આયોજન શહેરના છેવાડે આવેલા પાર્ટીપ્લોટોમાં થતું હોય છે. જેના કારણે ખેલૈયાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.
આજ કારણોસર આ વખતે યશ્વી એન્ટરટેઈનમેન્ટ દ્વારા શહેરની વચ્ચોવચ્ચ ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબા નાઈટમાં મહિલા સુરક્ષાને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જેમાં હેલ્પ ડેસ્ક પર મહિલા ગાર્ડ હશે, જેઓ મહિલાઓ અને યુવતીઓની મદદ માટે સતત ખડેપગે રહેશે.
આગામી 3 ઑક્ટોબરથી નવરાત્રીનો પર્વ શરૂ થઈ રહ્યો છે, જેની પહેલા અમદાવાદમાં કિંજલ દવેની પ્રી-ઈવેન્ટ યોજાવાની છે. થોડા દિવસ અગાઉ કિંજલ દવેએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ બાબતે પોસ્ટ મૂકીને અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલા આર.એમ. પટેલ ફાર્મ ખાતે આગામી 1 ઓક્ટોબરના રોજ પ્રિ-નવરાત્રીમાં ગરબા રમવા માટે ખેલૈયાઓને આમંત્રણ પાઠવ્યું હતુ.
તાજેતરમાં જ દેશના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગરબા નાઈટમાં કિંજલ દવેએ રૉકિંગ પર્ફોમન્સ આપ્યું હતુ. જેમાં કિંજલ દવેના ગરબાના તાલે આખો અંબાણી પરિવાર ઝૂમ્યો હતો. આ સાથે જ કિંજલ દવેએ અંબાણી પરિવારના સભ્યો સાથે લીધેલી તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી.
