Surat: સુરતના કામરેજ ગામની વ્રજનંદની સોસાયટી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીનો ભરાવો થયો છે. જેને લઈને રહીશોને ભારે હાલાકી પડી રહી છે, વરસાદનું જોર ઘટવા છતાં પાણીના નિકાલની સમસ્યા યથાવત રહી છે. ત્યારે આજે રહીશો દ્વારા કામરેજ મામલતદાર કચેરી ખાતે રામધુન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો, સ્થાનિકોએ પાણીના ઝડપી નિકાલની માંગણી કરી હતી. કામરેજના મામલતદારે રજૂઆતો સાંભળીને પાણીના ઝડપી નિકાલની બાહેંધરી આપી હતી.
કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈ ભોકળવાએ જણાવ્યું હતું કે, પાંચ-પાંચ દિવસથી પાણી ભરાયેલું છે અને ફોન દ્વારા પણ વારંવાર પ્રશાસન રજૂઆત કરવામાં આવી છે કે, નાના અને ગરીબ માણસોની પરિસ્થતિ બગડે છે અને ચાર-પાંચ દિવસથી પાણી ભરાયેલા છે રોગ ચાળો ફાટી નીકળ્યો છે. ખાડીના પાણીના લીધે અનેક જીવ જંતુઓ આવ્યા છે ઘરમાં કમાવનાર વ્યક્તિ પાણીમાં બહાર નીકળી શકતો નથી. આજે તેઓના ચુલા પાંચ દિવસથી બંધ છે, એ લોકો રોજ લાવીને રોજ ખાવા વાળા માણસો છે જયારે ડે.કમિશ્નરની ગાડી કડોદરામાં ફસાઈ ગઈ, ત્યારે તાત્કાલિક પ્રસાશન દોડી ગયું અને ત્યાં રીપેર પણ કર્યું અને ગાડી પણ કાઢી આજે આ લોકો પાંચ દિવસથી રઝળે છે તેના માટે તમને કોઈ દયા નથી.
આમ આદમી પાર્ટી કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું કે વ્રજ નંદીની સોસાયટી મારા વિસ્તારમાં આવેલી છે. અવાર નવાર તંત્રને રજૂઆત કરવા છતાં પ્રી મોન્સુન કામગીરી જ્યાં સુધી નહિ થાય ત્યાં સુધી આ જ પરિસ્થિતિ રહેશે આની પહેલા આગલા વર્ષે પણ કેડસમા પાણી ભરાયા હતા લોકોને કરોડો રૂપિયાની નુકશાની થઇ હતી આજે પણ એ જ હાલત છે. આજે ચાર દિવસ થયા આ લોકો જમ્યા પણ નથી, નાના બાળકો છે દૂધ પાણી વગરના છે અને ખાડી ઉપર એટલા બધા દબાણો છે એના પોતાના મળતિયાઓના દબાણો છે.
આથી તંત્ર અને સતામાં બેસેલા લોકો એમને છાવરે છે ખરેખર જો આ પ્રીન્સુન કામગીરી પૂર્ણ નહી થાય તો હજુ પણ આ જ પરિસ્થિતિ રહેશે, હવે અમે લોકોએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી પ્રી મોન્સુન કામગીરી પૂર્ણ ના થાય અને જ્યાં સુધી અમને લેખિતમાં જવાબ ના આપે બાહેધરી ના આપે ત્યાં સુધી અમે મામલતદાર કચેરી છોડવાના નથી.
કામરેજ મામલતદાર રશ્મીનભાઈ ઠાકોરએ જણાવ્યું હતું કે, આજરોજ વ્રજ નંદીની સોસાયટી તેમજ કામરેજ અને નનસાડનો દાદા ભગવાનની મંદિરની પાછળ અને બાપા સીતારામ ચોકથી અંદરનો જે વિભાગ છે તેની આજુબાજુના રહીશો દ્વારા આજે અમારી કચેરી ખાતે આવીને રજૂઆત કરવામાં આવી છે. તેમની રજૂઆત વરસાદી પાણીનો જે નિકાલ થવો જોઈએ એ નિકાલ નથી થયો તેનો છે અને રોડ જર્જરિત હાલતમાં છે એના બાબતે મુખ્ય રજૂઆત કરવામાં આવી હતી.
આ સંદર્ભે મેં એમને આશ્વાસન અને બાહેધરી આપેલી છે કે ડ્રેનેજ વિભાગ છે અને શ્યામ નગરની તરીકે ઓળખાતી ખાડી છે જે આગળ નેત્રંગ બારડોલીથી પાણી આવે છે અને શ્યામ નગર થઈને તાપી નદીમાં ખોલવડ પાસોદરાની વચ્ચે જાય છે, તો જે ડ્રેનેજ વિભાગના અધિકારી સાથે મેં વાત કરી છે.
પંચાયતના રોડ બાબતે પંચાયતના ડીઈ સાથે પણ વાત કરી છે અને વરસાદી સીઝન ચાલુ છે અને સીઝનની અંદર જ્યાં સુધી એમના ટ્રક કે ટ્રેક્ટર જાય ત્યાં સુધી જઈને રોડ જે છે ત્યાં રહીશોની અવર જવર કરવા બાબતની જે સુચના મળી છે તો એનો તાત્કાલિક નિકાલ થાય એ માટે એ માટે કાર્યવાહી કરવાની જે તે વિભાગ, પંચાયત, ગામના સરપંચ અને ગામના તલાટી સાથે વાત કરીને સુચના આપવામાં આવી છે.
