Surat: શહેરના ગોડાદરા વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે સભા પહેલા જ AAPની સભાનો વિરોધ જોવા મળી રહ્યો છે. હિન્દુ સંગઠન દ્વારા આમ આદમી પાર્ટીના બેનરો પર શાહી ફેંકવામાં આવી હતી. તેમજ મુસ્લિમ ટોપી પહેરેલા AAP નેતાઓના ફોટા ફાડવામાં આવ્યા હતા.
હકીકતમાં આજે ગોડાદરા વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે આમ આમદી પાર્ટી દ્વારા બેનરો લગાડવામાં આવ્યા છે. જો કે આ બેનરોમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા સહિતના નેતાઓન મુસ્લિમ ટોપી પહેરેલા એડિટેડ ફોટા દર્શાવવામાં આવ્યા હતા.
AAP નેતાઓના મુસ્લિમ અવતારની તસવીરો જોઈને ભડકેલા હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર સુત્રોચાર સાથે બેનરો ફાડી નાંખવામાં આવ્યા હતા. આટલું જ નહીં, AAP નેતાઓની તસવીરો પર કાળી શાહી ફેંકવામાં આવી હતી.
આ અંગે વિગતો આપતાં વિરોધ કરી રહેલા જય શર્માએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા સનાતન વિરોધી છે. જે હંમેશા ધર્મના દુષ્પ્રચાર કરતા આવ્યા છે. ગોપાલ ઈટાલિયા ક્યારેક ભગવત ગીતા, તો ક્યારે અમારા કથા વાચકોનું અપમાન કરે છે. આવી વ્યક્તિ અહીં પોતાની રાજનીતિ ચકમાવવા આવી રહી છે. જેને લઈને અહીં બેનરો લગાવવામાં આવ્યા છે. આથી સનાતન ભાઈઓએ વિરોધ કર્યો છે. જો આમ આદમી પાર્ટી સભા કરશે, તો તેનો પણ વિરોધ કરવામાં આવશે.
જે રીતે મુઘલ અને બાબરે આવી ને ધીમે-ધીમે પગ પેસારો કર્યો હતો, તેવી જ રીતે આમ આદમી પાર્ટી પણ પગ પેસારો કરી રહી છે. આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા છે, તો કાલે તેમની પાછળ-પાછળ વિધર્મીઓ પણ આવશે. જે બાદ અહીં લવ જેહાદના કિસ્સાઓ ચાલુ થઈ જશે. ચેઈન સ્નેચિંગ જેવી અનેક ઘટનાઓ શરૂ થઈ જશે. આ હિન્દુ વિસ્તાર હોવાથી વહીવટી તંત્ર દ્વારા આમ આદમી પાર્ટીની સભા બંધ કરાવે તેવી અમારી માંગ છે.
