Surat: શહેરના કાપોદ્રા વિસ્તારમાં પરિણીતાની છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં પરિણીતાની બહેનપણીના પતિએ જ ઘરમાં ઘૂસીને તારે મારી સાથે જ રહેવાનું છે કહી હોઠ પર ચુંબન કરી લીધુ હતુ.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતા વીસેક દિવસથી ભાડાનું મકાન શોધી રહી હતી. આ દરમિયાન તે એક મહિલાના સંપર્કમાં આવી હતી.
ગઈકાલે પરિણીતા પોતાના ઘરે એકલી હતી, ત્યારે કોઈએ દરવાજો ખટખટાવ્યો હતો. આથી પરિણીતાએ દરવાજો ખોલતા જ તેની બહેનપણીનો પતિ રાકેશ પાનસુરિયા કામ હોવાનું કહી ઘરમાં ઘૂસીને બેડ પર બેસી ગયો હતો.
જે બાદ રાકેશ પરિણીતાને ઘરનો દરવાજો બંધ કરવા દબાણ કરવા લાગ્યો હતો. જો કે પરિણીતાએ દરવાજો બંધ કરવાનો ઈનકાર કરતાં ઉશ્કેરાયેલા રાકેશે 'તું મારી જ છે. તારે મારું જ રહેવાનું છે. તને બીજા કોઈની નહીં થવા દઉં'- કહી પરિણીતાને જકડી લીધી હતી. જે બાદ પરિણીતા કંઈ સમજે તે પહેલા જ તેના હોઠ પર ચુંબન કરી લીધુ હતુ.
આખરે પરિણીતાએ બૂમાબૂમ કરીને પોતાના પતિને ફોન કરતાં રાકેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે પરિણીતાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધીને રાકેશની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
