Surat: ઉધના રેલવે સ્ટેશનથી 4 સ્પેશિયલ ટ્રેનમાં 8 હજાર મુસાફરો વતન જવા રવાના, હોલ્ડિંગ એરિયાએ ટાળી અફરાતફરી

પ્લેટફોર્મ પર બિનજરૂરી ગરદી ટાળવા માટે મુસાફરોને વેઈટિંગ એરિયામાં સુરક્ષિત રોકવામાં આવ્યા હતા. જેવી ટ્રેન પ્લેટફોર્મ પર આવે, તે બાદ જ મુસાફરોને લાઈનબદ્ધ રીતે કૉચ સુધી લઈ જવાયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 21 Apr 2026 05:34 PM (IST)Updated: Tue, 21 Apr 2026 05:34 PM (IST)
surat-news-heavy-passenger-rush-at-udhna-railway-station-managed-efficiently
HIGHLIGHTS
  • અગાઉ રવિવારે મુસાફરોની ભીડ બેકાબુ બનતાં પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો

Surat: સુરત શહેરમાં ઉનાળુ વેકેશનની શરૂઆત થતાની સાથે જ પરપ્રાંતિયોમાં વતન જવાની ભારે હોડ જામી છે, ત્યારે ગત રવિવારની માફક આજે મંગળવારે પણ ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જેમાં આજે એક જ દિવસમાં 4 જેટલી સ્પેશિયલ ટ્રેનો મારફતે 8 હજારથી વધુ મુસાફરો પોતાના વતન રવાના થયા છે.

સ્કૂલો-કૉલેજોમાં વેકેશન અને લગ્નસરાની સિઝનના કારણે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાથી આવેલા શ્રમિકોએ વતનની વાટ પકડી છે. આ સિવાય મિડલ ઈસ્ટમાં યુદ્ધના તણાવના કારણે રાંધણ ગેસની અછત પણ શ્રમિકોના પલાયન માટે જવાબદાર મનાય છે.

રવિવારની અફરાતફરી બાદ રેલવે તંત્ર હરકતમાં

અગાઉ ગત 19 એપ્રિલે રવિવારના રોજ ઉધના સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો એકઠા થઈ જતાં ભીડ બેકાબુ બની હતી. જેના કારણે પોલીસને હળવો બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. જે બાદ હરકતમાં આવેલા રેલવે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે કેટલાક પગલા લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત મંગળવાર રાતથી મુસાફરોનો ભારે ધસારો જોવા મળતા, પ્લેટફોર્મ પર ભીડ એકઠી થવાને બદલે તેમને નિર્ધારિત 'હોલ્ડિંગ એરિયા'માં રાખવામાં આવ્યા હતા.

પ્લેટફોર્મ પર બિનજરૂરી ગરદી ટાળવા માટે મુસાફરોને વેઈટિંગ એરિયામાં સુરક્ષિત રોકવામાં આવ્યા હતા. જે બાદ જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવે, ત્યારે જ મુસાફરોને લાઈનબદ્ધ રીતે કૉચ સુધી લઈ જવામાં આવ્યા હતા. રેલવે પ્રશાસનની આ આગવી આયોજનબદ્ધ કામગીરીને કારણે આજે કોઈ પણ પ્રકારની ધાંધલ-ધમાલ કે અનિચ્છનીય ઘટના બની નહોતી.

ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા તેમજ તેમની સુવ્યવસ્થિત અવરજવર માટે પોલીસનો કાફલો સતત ખડેપગે રહ્યો હતો. RPF અને GRPના જવાનો દ્વારા હોલ્ડિંગ એરિયાથી લઈને ટ્રેનના દરવાજા સુધી ઝીણવટભર્યું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર રૂબરૂ હાજર રહીને ભીડનું સંચાલન કરતા જોવા મળ્યા હતા.