Vadodara: વડોદરા શહેરમાં મુખ્યમંત્રીના VVIP બંદોબસ્ત જેવી અતિ સંવેદનશીલ કામગીરી દરમિયાન પોલીસકર્મી પર હુમલો અને દુર્વ્યવહારની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ટ્રાફિક ક્લિયર કરાવતી વખતે વાહન રોકવાનું કહેતા વાઘોડિયાના એક પરિવારે ઉશ્કેરાઈને ASI સાથે ઝપાઝપી કરી હતી અને 'તારી નોકરી છોડાવી દઈશું' તેવી ધમકી આપી હોબાળો મચાવ્યો હતો. આ મામલે સમા પોલીસે મહિલા સહિત પરિવારના ત્રણ સભ્યો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો
ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડોદરા પ્રવાસને પગલે શહેરના પ્રવેશદ્વાર સમાન દુમાડ ચોકડી બ્રિજ નીચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રાત્રે 9:26 વાગ્યે મુખ્યમંત્રીનો કોન્વોય પસાર થવાનો હોવાથી સુરક્ષાના કારણોસર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે તરફથી આવતા તમામ વાહનોને થોડા સમય માટે રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન એક બાઈક સવારે પોલીસનો ઈશારો ન માની આગળ વધવાનો પ્રયાસ કરતા ASI અજીતસિંહે તેમને અટકાવ્યા હતા.
પોલીસે વાહન રોકતા જ બાઈક સવાર કૌશિક પટેલ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોલીસકર્મી સાથે તોછડું વર્તન કરી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં તેની સાથેના અન્ય લોકો અને પાછળ આવી રહેલી ઈકો કારમાંથી ઉતરેલા મહિલા તથા પુરુષે પણ પોલીસકર્મી સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. ચાલુ ફરજ પર રહેલા ASI સાથે થયેલી આ જીભાજોડી હિંસક બની હતી.
ઝપાઝપી દરમિયાન ફાલ્ગુનીબેન નામની મહિલાએ પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું અને પોલીસને માનસિક દબાણમાં લેવા માટે 'તને સસ્પેન્ડ કરાવી દઈશું અને તારી નોકરી છોડાવી દઈશું' તેવી સીધી ધમકી આપી હતી. બંદોબસ્તમાં તૈનાત અન્ય પોલીસ અધિકારીઓ તાબડતોબ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી હુમલો કરનાર તમામ શખ્સોને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
સમા પોલીસે સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ અને હુમલાના ગુના હેઠળ કૌશિક બિપિનભાઈ પટેલ, પ્રેમલ કૌશિકભાઈ પટેલ, ફાલ્ગુનીબેન કૌશિકભાઈ પટેલ VVIP સુરક્ષામાં ખલેલ પહોંચાડવા અને કાયદાનું ઉલ્લંઘન કરનારા શખ્સો સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે.
