રાજકોટનું એક એવું ગામ જ્યાં 40 વર્ષથી રાજકીય પ્રચાર પર પ્રતિબંધ, જાણો રાજ સમઢીયાળાની અનોખી પરંપરા

લોભ-લાલચથી ગામની એકતા ના તૂટે તે માટે ગ્રામજનોનો મક્કમ નિર્ણય. ચૂંટણીમાં રાજકીય પક્ષોના બેનર કે સભાઓ નહીં છતાં 96 ટકાથી વધુ મતદાન થાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 21 Apr 2026 04:51 PM (IST)Updated: Tue, 21 Apr 2026 04:51 PM (IST)
rajkot-news-how-raj-samadhiyala-village-achieves-96-per-cent-voting-without-campaigning
HIGHLIGHTS
  • મતદાન ના કરે તો તેને 51 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે

Rajkot: અત્યારે આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગામેગામ અને શહેરોમાં રાજકીય પક્ષોના બેનરો, લાઉડસ્પીકરનો ઘોંઘાટ અને નેતાઓની સભાઓનો ગજવાટ જોવા મળી રહ્યો છે.

જો કે આ બધાની વચ્ચે રાજકોટ જિલ્લાનું રાજ સમઢીયાળા ગામ લોકશાહીના એક અનોખા ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું છે. રાજકોટથી માત્ર 22 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં છેલ્લા 40 વર્ષથી કોઈ પણ રાજકીય પક્ષને પ્રચાર કરવાની મંજૂરી નથી.

રાજ સમઢીયાળાની ગલીઓમાં પ્રવેશતા જ તમને એક અલગ શાંતિનો અનુભવ થશે. ચૂંટણીના માહોલમાં જ્યાં અન્ય ગામો રાજકીય રંગે રંગાયેલા હોય છે, ત્યાં અહીં ન તો કોઈ પક્ષના ખેસ પહેરેલા કાર્યકરો દેખાય છે, ન તો કોઈ દિવાલ પર પોસ્ટર. ગામમાં રાજકીય પ્રચાર કરતા વાહનોના પ્રવેશ પર પણ સદંતર પ્રતિબંધ છે. આ કોઈ સરકારી આદેશ નથી, પરંતુ ગ્રામજનોએ પોતે બનાવેલો સ્વૈચ્છિક નિયમ છે.

આ અનોખી વ્યવસ્થા પાછળનું કારણ જણાવતા ગામના આગેવાનોએ જણાવ્યું કે, જ્યારે રાજકીય પક્ષો પ્રચાર માટે આવે છે, ત્યારે તેઓ ઘણીવાર લોભ-લાલચ કે નાણાંની વહેંચણી કરે છે. જેના કારણે ગામની વર્ષો જૂની એકતામાં તિરાડ પડે છે અને પરસ્પર વૈમનસ્ય વધે છે.

naidunia_image

રાજ સમઢીયાળામાં કોઈ પક્ષ નહીં, પણ ગામનું હિત સર્વોપરી છે

ગામનું અહિત ન થાય તે હેતુથી 11 સભ્યોની કમિટી દ્વારા કુલ 19 જેટલા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં રાજકીય નેતાઓના પ્રવેશ અને પ્રચાર પર રોક લગાવવામાં આવી છે.

અમારા વડીલોએ જે પરંપરા સ્થાપી છે, તેને અમે આગળ ધપાવીશું. રાજકારણના કારણે ગામની શાંતિ ન ડહોળાય તે જ અમારો મુખ્ય હેતુ છે. આ નિયમો માત્ર પ્રચાર રોકવા પૂરતા મર્યાદિત નથી, પરંતુ લોકશાહીની ફરજ નિભાવવા માટે પણ એટલા જ કડક છે.

naidunia_image

ગામમાં દરેક નાગરિક માટે મતદાન કરવું ફરજિયાત છે.જો કોઈ વ્યક્તિ વ્યાજબી કારણ વગર મતદાન ન કરે, તો તેને 51 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.આ શિસ્તના કારણે જ રાજ સમઢીયાળામાં દર વખતે સરેરાશ 96 ટકાથી વધુ મતદાન નોંધાય છે, જે સમગ્ર જિલ્લામાં સૌથી વધુ હોય છે.

આમ રાજ સમઢીયાળાએ સાબિત કરી દીધું છે કે, પ્રચારના ઘોંઘાટ અને લાલચ વગર પણ લોકશાહીનું પર્વ વધુ સારી રીતે ઉજવી શકાય છે. આજે આ ગામ અન્ય ગામડાઓ માટે એક પ્રેરણારૂપ આદર્શ બન્યું છે.