Surat: આવતીકાલથી માતાજીની આરાધાના નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે અને ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ઘુમવા આતુર બન્યા છે. જેમના માટે એક મોટા ખુશખબર આવ્યા છે. હકીકતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે બાબતની જાહેરાત કરી છે.
સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે, એ માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે. આ વખતની નવરાત્રિ વિશેષ છે, કારણ કે માઁ અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદુરની શક્તિ છે. આ સાથે તેમણે કોઈ પણ તકલીફ હોય તો 112 નંબર પર કોલ કરવા વિનંતી કરી છે.
ગુજરાતની ધરતી પર માઁ અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે, એ માટે સંપૂર્ણ પણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે. સૌ નાના નાના વેપારીઓ જે શહેરો અને જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે કે પછી ખાણીપીણીના સ્ટોલ ચલાવતા હોય છે. આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટેની ગુજરાત પોલીસને સુચના આપવામાં આવી છે. મારા રાજ્યના નાના-નાના વેપારીઓ એ સંપૂર્ણ પણે ખુબ સારી રીતે એનો ઉઘોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે વિશેષ નવરાત્રી છે કારણ કે માં અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદુરની શક્તિ છે અને સાથે આ વર્ષે આત્મ નિર્ભર ભારત અને સ્વદેશી અપનાવોના નારા જોડે દેશ આખો કઈક અલગ જ મૂડમાં નજરે પડી રહ્યો છે. મને પૂરો વિશ્વાસ છે નવરાત્રીના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શીયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમવા આવતા બહેન, ભાઈઓ અને પરિવારજનોને જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણ વ્યવસ્થાઓ ખુબ સારી રીતે કરશે.
આ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ઢીલ ચલાવી લેવામાં આવશે નહી. કોમર્શિયલ ગરબા માટે બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને સાથે સાથે આપણા રાજ્યની સંસ્કૃતિ, માઁ અંબાના ગરબા અને નવરાત્રિના આ 9 દિવસ જયારે લાખો લોકો માં અંબાની ભક્તિમાં આવતા હોય છે, ત્યારે કોઈ પણ પ્રકારની ભક્તિને ખલેલ પહોચે એ પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો ચલાવી લેવામાં આવશે નહી. આ આપણી સંસ્કૃતિ છે અને આપણી સંસ્કૃતિ આપણે સૌએ જાળવી રાખવી એ આપણી જવાબદારી છે.
વધુમાં જણાવ્યું હતું કે, ખેલૈયાઓ પુરા મનથી ગરબા રમી શકે તેવી વ્યવસ્થાઓ સૌ સાથે મળીને કરીશું. સૌ લોકો પૂરી શક્તિથી ગરબા રમવા જાવ, કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. મારી દરેક બહેન દીકરીઓને ખાસ કરીને વિનંતી છે, કોઈ પણ જગ્યાએ નાની એવી તકલીફ પણ નજરે પડે કે તમારી ગાડી રસ્તામાં બંધ પડી ગઈ અને હવે ઘરે કઈ રીતે પહોચશો? તો તમારી બધાની જ સેવામાં ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે. કોઈ પણ તકલીફ પડે તમે વગર વિચારે 112 પર માત્ર જાણકારી આપો, જેથી તમારી મદદમાં ઝડપથી પહોચી શકાય. આપણે જ્યાં જઈએ છીએ તેની સંપૂર્ણ માહિતી માતા,પિતા, પરિવાર અને મિત્રો ને હોવી જોઈએ, એ જ પ્રકારે આપણે લોકોએ સંપૂર્ણ વ્યવસ્થાઓ અને વ્યવસ્થાઓમાં કોઈ પણ ગેરવ્યાજબી લોકો એ ફાયદો ના લઇ જાય એ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે આપણે ગોઠવી છે. એટલા માટે આપ સૌને વિનંતી છે કે આ વ્યવસ્થાઓમાં વધુમાં વધુ આપ સૌ લોકો મદદ કરજો.
