Surat: સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતભરમાં માંતેલા સાંઢની માફક રોડ પર દોડતા ટ્રક અને ડમ્પર સહિતના ભારે વાહનો અવારનવાર ગંભીર અકસ્માતો સર્જતા રહે છે. જેમાં અનેક નિર્દોષ પોતાનો જીવ પણ ગુમાવતા રહે છે. પોલીસ દ્વારા ભારે વાહનોને શહેરમાં પ્રવેશબંધીને લઈને જાહેરનામું બહાર પાડવા છતાં આવા ડમ્પર શહેરમાં ઘૂસીને અકસ્માત સર્જી રહ્યા છે, ત્યારે આવો જ વધુ એક બનાવ શહેરના ઈચ્છાપોર પાસે બન્યો છે. જેમાં ડમ્પરે કચડી નાંખતા એક વૃદ્ધ મહિલા મોતને ભેટી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઈચ્છાપોરના ક્વાસ ગામમાં આવેલા મંદિર ફળિયામાં રહેતા જશુબેન દલસુખભાઈ પટેલ (70) ફ્રૂટ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે જસુબેન કૃભકો ટાઉનશિપથી ફ્રૂટની લારી લઈને કવાસ ગામ સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
આ દરમિયાન જશુબેન પોતાની લારી લઈને કવાસ પાટિયા નજીક પહોંચે છે, ત્યારે જ પાછળથી આવેલા ડમ્પરે તેમને ઠોચરે ચડાવ્યા હતા. જેમાં ગંભીર ઈજાના કારણે જશુબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, ઝરમર વરસતા વરસાદ વચ્ચે જશુબેન પોતાની ફ્રૂટની લારી લઈને કવાસ પાટીયા નજીકથી જઈ રહ્યા છે. આ સમયે પાછળથી એક ડમ્પરનો ડ્રાઈવર આવે છે અને આગળ જતાં જશુબેન પર પોતાનું વાહન ચડાવી દે છે. આ સમયે આગળ જઈ રહેલો બીજી લારી વાળો હાથથી ઈશારો કરીને ડમ્પરના ડ્રાઈવરને વાહન રોકવા માટે ઈશારો કરે છે. જો કે ત્યાં સુધીમાં ડમ્પરના ટાયર ફરી વળતા જશુબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજી ચૂક્યું હોય છે.
આ ઘટનાના પલે અકસ્માત સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરનો ડ્રાઈવર તેનું વાહન ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસે જશુબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. જે બાદ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ડમ્પરના ડ્રાઈવરની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. પ્રાથમિક તપાસમાં જશુબેનને ચાર સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હાલ તો જશુબેનના મોતને પગલે તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
