Surat: ઉધનામાં ફ્લિપકાર્ટના ડિલિવરી બૉયની ઘાતકી હત્યા, 6 મહિનામાં પિતા-પુત્ર ગુમાવનાર પરિવારના માથે આભ ફાટ્યું; બહેનોની ન્યાયની માગ

સુરતના ઉધનામાં ફ્લિપકાર્ટ ડિલિવરી બોય વિક્કી તોયડેની ઘાતકી હત્યા કરવામાં આવી છે. 6 મહિના પહેલા પિતા ગુમાવનાર પરિવારે હવે પુત્ર પણ ગુમાવતા ન્યાયની માંગ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 12 Jul 2026 05:59 PM (IST)Updated: Sun, 12 Jul 2026 05:59 PM (IST)
surat-news-flipkart-delivery-boy-murder-in-udhana-father-killed-6-month-ago

Surat: સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉંચકાઈ રહ્યો હોય, તેમ વીતેલા 24 કલાકમાં હત્યાની બીજી ઘટના સામે આવી છે. જેમાં ઉધના વિસ્તારમાં 23 વર્ષના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આજથી 6 મહિના પહેલા જ મૃતકના પિતાની પણ હત્યા કરવામાં આવી હતી. આમ 6 મહિનામાં જ પિતા બાદ ભાઈ ગુમાવનાર બે બહેનો અને તેમના માતાના માથે આભ તૂટી પડ્યું છે.


આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગઈકાલે રાતના સમયે ઉધના સ્થિત સમ્રાટ અશોકનગરમાં વિક્કી ઉર્ફે લક્કી ધનરાજ તોયડે (23) નામના યુવકની અજાણ્યા ઈસમોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક ફ્લિપકાર્ટ કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

આ ઘટનામાં હુમલાખોરને પણ ઈજા પહોંચી હોવાથી તે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે હુમલાખોરની અટકાયત કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેની પૂછપરછ બાદ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

અમે બોલાવા ગયા, ત્યારે ભાઈ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો

આ અંગે મૃતકની બહેન મનિષા તાયડેએ જણાવ્યું કે, ગઈકાલે રાતે 9 વાગ્યે મારો ભાઈ ઘરે આવ્યો હતો. મમ્મીએ જમવાનું કહેતા, તે આંટો મારીને આવું પછી જમીશ તેમ કહીને નીકળી ગયો હતો. રાતે તે વડલા પાસે બેઠો હતો, ત્યારે જાવિદ નામના ઈસમે તેને ચપ્પુ મારી દીધુ હતુ.

રાતે 10 વાગવા છતાં ભાઈ ઘરે ના આવતા અમે મમ્મી સાથે બોલાવા નીકળ્યા, ત્યારે તે લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. જેથી અમે 108માં તેને હોસ્પિટલ લઈ ગયા હતા.


વધુમાં મનિષાએ આક્ષેપ કર્યું કે, 6 મહિના પહેલા મારા પિતાને મારવામાં પણ જાવિદનો જ હાથ હતો. તેણે પૈસા ખવડાવીને મારા પિતા બાદ હવે મારા ભાઈને પણ મારી નાંખ્યો છે. અમારા વચ્ચે એવો કોઈ ઝઘડો કે દુશ્મની નહતી છતાં મારા ભાઈ અને પિતાને મોતને ઘાટ ઉતારી દીધા છે. અમે બે કુંવારી બહેનો, અમારી માતા અને વૃદ્ધ દાદી જ છીએ, હવે અમારો કોઈ સહારો પણ નથી રહ્યો. અમને ન્યાય જોઈએ.

જ્યાં તારા બાપને માર્યો, ત્યાં આવ તને પણ મારી નાંખીશું

મારી મમ્મી પોલીસમાં રિપોર્ટ લખાવવા ગઈ હતી કે, મારા ભાઈ પાછળ ત્રણેક લોકો ચપ્પુ લઈને ફરી રહ્યા છે. જો કે પોલીસ વાળાએ કોઈ જવાબ આપ્યો નહતો કે ફરિયાદને ગંભીરતાથી નહતી લીધી. જો તે સમયે ગંભીરતા દાખવી હોત, તો મારો ભાઈ જીવતો હોત. તેઓ જેલમાંથી છૂટીને મારા ભાઈને ધમકી આપી રહ્યા હતા કે, જે તારા બાપને માર્યો, ત્યાં તુ આવ તને પણ મારીશું.