Surat Crime News: દિવાળીના તહેવારો વચ્ચે સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કતારગામના ગોટાલાવાડી ચાર રસ્તા નજીક આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા પુરુષનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, 3 નવેમ્બરની રાત્રે પોલીસને કબ્રસ્તાનમાં એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન મૃતદેહનું માથું ગાયબ હોવાનું અને શરીર પર કોઈ કપડાં ન હોવાનું સામે આવ્યું હતું.
ઘટનાની પ્રાથમિક સ્થિતિ જોતાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતકની ઓળખ છુપાવવાના ઇરાદે તેનું માથું અલગ કરવામાં આવ્યું હોવાની શક્યતા પણ વ્યક્ત કરાઇ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને FSL અને ડોગ સ્ક્વોડની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી. બીજી તરફ મળતા અહેવાલો અનુસાર, યુવકનું માથું ત્રણ કિ.મી. દૂર અલકાપુરી રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યું છે. મૃતકની ઉમર 30થી 35 વર્ષની આસપાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પ્રાથમિક અનુમાન મુજબ, આ યુવકની હત્યા આશરે બે દિવસ અગાઉ બની હોવાની શક્યતા છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ માટે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ મેળવવાનો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ અને વધુ વિગતો સામે આવી શકે છે. બીજી તરફ, આ ભયાનક ઘટનાને અંજામ આપનાર કોણ છે અને હત્યા પાછળનું કારણ શું છે તે અંગે કતારગામ પોલીસે તપાસ તેજ કરી છે.
