Surat Bribery Case: સુરત મહાનગરપાલિકાના બે કર્મચારી લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ટીમની ટ્રેપમાં ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. ફટાકડાંના વેચાણ માટે લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના બદલામાં એક નાગરિક પાસેથી 11 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ACB ટીમે સેનેટરી ઈન્સ્પેક્ટર અને સફાઈ કામદારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો અનુસાર, એક વ્યક્તિએ ફટાકડાંના વેચાણ માટે લાયસન્સ મેળવવા માટે વોર્ડ નંબર 37(A), પીપલોદ આરોગ્યની કચેરી, અઠવા ઝોન ખાતે અરજી કરી હતી. જે ફટાકડા વેચાણ માટે લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના પેટે સુરત મહાનગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેકટરે 11,000 રૂપિયાની માંગણી કરી હતી.
આ મામલે ફરિયાદીએ ACB માં ફરિયાદ કરતા ACB ટીમે વોર્ડ નંબર 37(A), પીપલોદ આરોગ્યની કચેરી, અઠવા ઝોન ખાતે છટકું ગોઠવ્યું હતું અને સેનેટરી ઈન્સ્પેક્ટર વિપુલકુમાર જયંતકુમારજોશીના કહેવાથી સફાઈ કામદાર શૈલેષભાઈ કીશનભાઈ સોલંકીએ લાંચ સ્વીકારી હતી. લાંચ સ્વીકારતા જ ACB ટીમ ત્યાં પહોંચી અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આરોપી 56 વર્ષીય વિપુલકુમાર જયંતકુમાર જોશી અને સફાઈ કામદાર શૈલેષભાઈ કીશનભાઈ સોલંકી સુરતમાં વોર્ડ નંબર 37(A), પીપલોદ અઠવા ઝોન ખાતે સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હતા.
