Surat News: સુરતમાં 'પતિ, પત્ની ઔર વો' નો કિસ્સો સામે આવ્યો છે. વરાછા-અશ્વિનીકુમાર રોડ પર આવેલી હીરાની પેઢીમાં નોકરી કરતા યુવકને ઓફિસમાં જ કામ કરતી યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. મધરાતે પોતાની પ્રેમિકાને બાઈક પર બેસાડીને લોંગ ડ્રાઈવ પર નીકળેલા યુવકને પત્ની અને સાસરી પક્ષના સભ્યોએ કતારગામ GIDC ચાર રસ્તા પાસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ રસ્તા વચ્ચે જ પતિ અને યુવતી સાથે મારામારી થતાં ભારે હોબાળો મચ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમરોલી વિસ્તારમાં રહેતો 30 વર્ષીય યુવક અશ્વિનીકુમાર રોડ પર આવેલી એક હીરાની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. આ દરમિયાન તેને પોતાની જ ઓફિસમાં ડેટા ઓપરેટર તરીકે કામ કરતી 27 વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પતિની હરકતોને લઈને પત્નીને લાંબા સમયથી શંકા હતી કે તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધ છે.
દરમિયાન 1 નવેમ્બરની મધરાતે આશરે પોણા ત્રણ વાગ્યે યુવક પોતાની કથિત પ્રેમિકાનેબાઈક પર બેસાડીને નીકળ્યો હતો. આ અંગે જાણ થતાં પત્ની, સાસુ અને સાળી સહિતના પરિવારજનો કારમાં તેની પાછળ નીકળ્યા હતા. પરિવારજનો યુવક પર નજર રાખી રહ્યા હતા. આખરે કતારગામ GIDC ચાર રસ્તા પાસે પહોંચતા જ પરિવારે કાર રસ્તા પર આડી મૂકીને યુવકની બાઈક અટકાવી દીધી હતી.
પતિને અન્ય યુવતી સાથે રંગેહાથ ઝડપી પાડતાં જ પત્ની અને સાસરિયાઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ જાહેર રસ્તા પર જ હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો. પત્નીએ પતિને ચંપલ વડે માર માર્યો હતો, જ્યારે પરિવારના અન્ય સભ્યોએ પણ દંડા વડે પણ માર માર્યો હતો. એટલું જ નહીં, બાઈક પર પાછળ બેઠેલી 27 વર્ષીય યુવતીને પણ નીચે ઉતારી તેના વાળ પકડી માર મારવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મધરાતે જાહેર રસ્તા પર થયેલી આ મારામારીને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે તમામ લોકોને પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મથકે 27 વર્ષીય યુવતીએ યુવકની પત્ની સહિત ત્રણ મહિલાઓ વિરુદ્ધ જાહેરમાં માર મારવા અંગે એન.સી. (નોન-કોગ્નિઝેબલ) ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
