VIDEO: સુરતના સરથાણામાં ત્રાટકી મહિલા ચોરોની 'ધાબળા ગેંગ', સુવાનું નાટક કરી જ્વેલરી શોપમાં કર્યો હાથ સાફ

સરથાણા જકાતનાકાથી વીટી નગર સર્કલ તરફ જતા માર્ગ પર આવેલી રોજી ઈમિટેશન જ્વેલર્સમાં આ ચોરી થઈ હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 02 Nov 2026 04:26 PM (IST)Updated: Mon, 02 Nov 2026 05:04 PM (IST)
surat-female-thief-blanket-gang-sarthana-jewellery-shop-theft-cctv-footage

Surat Crime News: સુરત શહેરમાં મહિલા ચોરોની એક ટોળકી સક્રિય થઈ છે, જેમની મોડસ ઓપરેન્ડી પણ અજીબ છે. સરથાણા વિસ્તારમાં મહિલાઓની ટોળકીએ ધાબળાનો ઉપયોગ કરીને દુકાન બહાર આડશ ઊભી કરી અને ત્યારબાદ દુકાનનું શટર વાળી અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ છે.

મળતી માહિતી મુજબ, સરથાણા જકાતનાકાથી વીટી નગર સર્કલ તરફ જતા માર્ગ પર આવેલી રોજી ઈમિટેશન જ્વેલર્સમાં આ ચોરી થઈ હતી. દુકાનના માલિક નિલેશ ખીમજી ચોવટીયાની દુકાનમાં સવારે કામકાજ શરૂ કરવા માટે મહિલા કર્મચારી પહોંચી હતી. ત્યારે દુકાનનું શટર વચ્ચેથી વળેલું અને દુકાનની અંદરનો સામાન અસ્તવ્યસ્ત જોવા મળતા તે ચોંકી ગઈ હતી.

મહિલા કર્મચારીએ બનાવ અંગે તાત્કાલિક માલિકને જાણ કરી હતી. ચોરીની જાણ થતાં માલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને સરથાણા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. દુકાનમાં લગાવેલા CCTV ફૂટેજ તપાસતાં ચોરીની સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. CCTV ફૂટેજમાં મળસ્કે આશરે પોણા પાંચ વાગ્યે છ જેટલી મહિલાઓ દુકાનની બહાર જોવા મળી હતી.

મહિલાઓએ ધાબળાની મદદથી દુકાનની બહાર એવી રીતે આડશ ઉભી કરી હતી કે તેમની ગતિવિધિઓ બહારથી કોઈ જોઈ ન શકે. ત્યારબાદ તેમણે દુકાનનું શટર વચ્ચેથી વાળીને અંદર પ્રવેશવા માટે જગ્યા બનાવી હતી. શટર ખૂલતાં જ ટોળકીની એક મહિલા દુકાનમાં પ્રવેશી હતી અને કાઉન્ટરમાંરાખેલી રોકડ રકમ તથા ઈમિટેશન જ્વેલરીની ચોરી કરી હતી.

આ મહિલા જ્યારે દુકાનમાં અંદર ચોરી કરવા ગઈ ત્યારે બહાર રહેલી મહિલાઓ દુકાનની બહાર સુઈ ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ ચોરીને અંજામ આપ્યા બાદ તમામ મહિલાઓ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. ચોરીમાં દુકાનમાંથી ₹35 હજાર રોકડા અને અંદાજે ₹74 હજારની કિંમતની ઈમિટેશન જ્વેલરી મળી કુલ ₹1.09 લાખનો મુદ્દામાલ ચોરી થયાનું સામે આવ્યું છે.

બનાવ અંગે સરથાણા પોલીસે દુકાન માલિકની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. CCTV ફૂટેજના આધારે મહિલાઓની ઓળખ મેળવવા અને ધાબળા ગેંગને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં લાગી છે. વહેલી સવારે બનેલી ઘટનામાં તસ્કર મહિલાઓ રોકડ રકમ અને જ્વેલરી મળી કુલ 1.09 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગઈ હતી.