US Navy Cadets Commander: અમેરિકામાં ભારતીય મૂળની દીકરીની કમાલ, 17 વર્ષની રિદ્ધિ ચૌહાણ 300 યુએસ નેવી કેડેટ્સની કોર કમાન્ડર બની

રિદ્ધિ 300 જેટલા કેડેટ્સને કમાન્ડ આપે છે અને તમામ લોકો તેના ઓર્ડરને ફૉલો કરે છે. અઠવાડિયામાં એક દિવસ ડ્રીલ થાય છે. આ માટે રિદ્ધિ સવારે 7 વાગ્યે સ્કૂલમાં પહોંચી જાય છે અને પછી પરેડનું નેતૃત્વ કરે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 12 Jul 2026 05:29 PM (IST)Updated: Sun, 12 Jul 2026 05:29 PM (IST)
international-news-indian-origin-nri-riddhi-chauhan-commands-300-us-navy-cadets
HIGHLIGHTS
  • રિદ્ધિ ચૌહાણના પૂર્વજો મૂળ રાજસ્થાન જયપુરના વતની હતી, પછી ગુજરાતમાં આવી વસ્યા હતા

US Navy Cadets Commander: ભારતીય યુવાનોનો દુનિયાભરમાં ડંકો વાગી રહ્યો છે. વિશ્વની અનેક દિગ્ગજ ટેક કંપનીઓનું સુકાન મોટાભાગે ભારતીયોના હાથમાં છે, ત્યારે મૂળ ભારતની 17 વર્ષીય રિદ્ધિ ચૌહાણે (Riddhi Chauhan) આગવી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં રિદ્ધિ સ્કૂલ નેવી જુનિયર રિઝર્વ ઑફિસર ટ્રેનિંગ કોરમાં કમાન્ડિંગ ઑફિસર (US Navy Commander) બની છે. આ સાથે જ તેને ન્યૂયોર્કની પ્રતિષ્ઠિત બેન્જામીન એન કાર્ડોઝો હાઈસ્કૂલમાં 300 કેડેટ્સને તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે.

રિદ્ધિ 300 કેડેટ્સને કમાન્ડ આપે છે

રિદ્ધિ 300 જેટલા કેડેટ્સને કમાન્ડ આપે છે અને તમામ લોકો તેના ઓર્ડરને ફૉલો કરે છે. અઠવાડિયામાં એક દિવસ ડ્રીલ થાય છે. આ માટે રિદ્ધિ સવારે 7 વાગ્યે સ્કૂલમાં પહોંચી જાય છે અને પછી પરેડનું નેતૃત્વ કરે છે.


જણાવી દઈએ કે, યુએસ નેવી દ્વારા નેવી જુનિયર રિઝર્વ ઑફિસર્સ ટ્રેનિંગ કોર્પ્સ (NJROTC) નામે એક ટ્રેઈનિંગ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જે લીડરશિપ પ્રોગ્રામ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ચારિત્ર ઘડતર અને ટીમ વર્કને પ્રોત્સાહિત કરવાનો છે.

યુ.એસ.નેવીમાં ઑફિસર બનવાની ઈચ્છા

ભારતીય મૂળની રિદ્ધિ પહેલાથી જ આ પ્રોગ્રામમાં જોડાઈ હતી. પહેલા તે એકેડેમિક ઑફિસર બની અને પછી સ્ટેમ કમાન્ડ, પ્લાટૂન લીડર ઈન્સ્પેક્શન કમાન્ડર બન્યા બાદ કમાન્ડિંગ ઑફિસર બની છે. હવે તે 300 કેડેટ્સને તાલીમ આપે છે. જે માટે સવારે 7 કલાકે ટ્રેનિંગ શરૂ થાય છે.

 

રિદ્ધિનું કહેવું છે કે, આ તેના જીવનનો સૌથી શ્રેષ્ઠ અનુભવ છે. ડ્રીલના દિવસે તે ખૂબ જ ઉત્સાહિત રહે છે. હું ડ્રીલ અને સેવા એમ બન્ને બાબતો કેડેટ્સને શીખવાડું છું. મારી ઈચ્છા અમેરિકન નેવીમાં ઑફિસર બનવાની છે.

 

પોતાની સફળતાનો શ્રેષ BAPSના મહંત સ્વામીને આપ્યો

રિદ્ધિ ચૌહાણનો પરિવાર ખૂબ જ ધાર્મિક છે. તેના પૂર્વજો મૂળ રાજસ્થાની હતા, પરંતુ કામ-ધંધા અર્થે ગુજરાત આવીને વસ્યા હતા. રિદ્ધિ પોતાની સફળતાનો તમામ શ્રેય BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામીને આપે છે.

રિદ્ધિએ જણાવ્યું કે, હું મહંત સ્વામીના જીવનમાંથી ઘણું બધુ શીખી છું. તેમનું જીવન સતત સકારાત્મક પ્રેરણા આપે છે. મહંત સ્વામીની અનુયાયી હોવાથી રિદ્ધિ શુદ્ધ શાકાહારી છે. હવે તે નેવલ પ્રિપેરીટી સ્કૂલમાં જવા ઈચ્છે છે, જેથી ભવિષ્યમાં નૌસેના અધિકારી બની શકે.