Ambalal Patel, Gujarat Weather Forecast: જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ધમાકેદાર બેટિંગ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને ઘમરોળ્યા બાદ છેલ્લા ચારેક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. વરસાદના પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ ગુજરાતના 70 ટકા જેટલા ભાગોને ભીંજવી દીધા હતા.
જો કે હજુ પણ કચ્છ અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ વરસાદથી વંચિત રહી ગયા છે. આથી અહીં ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતરૂપ આગાહી કરી છે.
13 જુલાઈથી લોકલ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામશે
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, અત્યારે મોન્સૂન ટ્રફ ઉત્તર-પૂર્વ ભારતમાં હોવાથી વરસાદની ગતિવિધિ નબળી પડી ગઈ છે. જો કે બે દિવસ બાદ 13 જુલાઈથી ગુજરાત પર એક લોકલ સિસ્ટમ બનવાની શક્યતા રહેલી છે. જેના પરિણામે હવામાનમાં પલટો આવતા ચારેક દિવસ સુધી એટલે કે 16 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે. જેમાં 14 જુલાઈએ કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે રથયાત્રાના દિવસે ગુજરાતના ઘણાં ભાગોમાં અમી છાંટણા પડવાની શક્યતા રહેશે. 16 જુલાઈએ પણ અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે.
27 જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવશે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 27 થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે. આ રાઉન્ડમાં જે ભાગો હજુ વરસાદથી વંચિત છે, ત્યાં મેઘ મહેર થશે. ખાસ કરીને કચ્છ, સાબરકાંઠા, અરવવ્લી, દ્વારકા, જામનગર, દ્વારકા, પોરબંદર, પંચમહાલ, મહીસાગર અને વડોદરા જેવા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 24.63 ટકા વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધીમાં 223.88 મિ.મી સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. આમ રાજ્યમાં સરેરાશ 24.63 ટકા વરસાદ નોંધાયો છે. જે પૈકી 3 તાલુકા એવા છે, જ્યાં અત્યાર સુધીમાં 1000 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે.
જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.69 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 27.61 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં સૌથી ઓછો માત્ર 1.92 ટકા, ઉત્તર ગુજરાતના ભાગોમાં 14.09 ટકા અને મધ્ય ગુજરાતના ભાગોમાં 17.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
