Morbi Farmers Protest: વીજ પોલ વળતર મુદ્દે ખેડૂત આંદોલન પાર્ટ-3ની જાહેરાત, 6 અલગ-અલગ સમિતિની રચના; દરેક ગામે જઈ ખેડૂતોને જાગૃત કરાશે

આંદોલન બિનરાજકીય રહે તે ખાતર બનાવવામાં આવેલી કમિટીઓમાં કોઈપણ રાજકીય પાર્ટીના હોદ્દેદારો કે નેતાને સ્થાન નથી આપવામાં આવ્યું. આ તમામ કમિટીઓનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના તમામ ગામડાઓ સુધી પહોંચીને ખેડૂતોને જાગૃત કરવાનો રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 11 Jul 2026 07:47 PM (IST)Updated: Sat, 11 Jul 2026 07:47 PM (IST)
morbi-farmers-protest-part-3-announce-6-non-political-committees-formed-for-agitation
HIGHLIGHTS
  • ખેડૂતોને પુરતું વળતર ના મળે, તો લાલ ગાડીઓમાં રખડનારાઓને 108માં નાંખવાના છેઃ રાકેશ અમૃતિયા

Morbi Farmers Protest: મોરબીના જેતપર ગામે ખેતરોમાં વીજ લાઈન નાંખવાના વળતર મુદ્દે ગાંધીનગર કૂચ, ઉપવાસ આંદોલન બાદ ખેડૂતો દ્વારા આંદોલન પાર્ટ-3ની જાહેરાત કરી દેવામાં આવી છે. જે અંતર્ગત અલગ-અલગ 6 કમિટીઓની રચના કરવામાં આવી છે. ખેડૂત આંદોલન બિનરાજકીય રહે, તે માટે કમિટીઓમાં રાજકીય પક્ષના લોકોને બાકાત રાખવામાં આવ્યા છે.

હકીકતમાં ખેડૂતોના આંદોલન પાર્ટ-2 અંતર્ગત 19 દિવસના ઉપવાસ પૂર્ણ થયા બાદ 8 અને 9 જુલાઈના રોજ ગુજરાતનાઅલગ-અલગ જિલ્લાઓના ખેડૂતો સાથે જેતપુર આંદોલન સમિતિએ બેઠક યોજીને તેમની પાસેથી મંતવ્યો મેળવ્યા હતા. જેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યાં બાદ ખેડૂત આંદોલન પાર્ટ-3 રણનીતિ ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

 

સોશિયલ મીડિયા સેલ, લીગલ સેલ જેવી 6 કમિટીઓની રચના કરાઈ

ખેડૂત આંદોલન પાર્ટ-3ની રણનીતિ મુદ્દે જેતપર સ્થિત રામવાડી ખાતે મોરબી જિલ્લાના ખેડૂતોની મોટી બેઠક મળી હતી. જેમાં સોશિયલ મીડિયા સેલ, લીગલ સેલ, ગ્રામ સંપર્ક સંવાદ, ભોજન વ્યવસ્થા સહિત કુલ 6 અલગ-અલગ કમિટીઓની રચના કરવામાં આવી છે.

ખાસ વાત એ છે કે, આંદોલન બિનરાજકીય રહે તે ખાતર બનાવવામાં આવેલી કમિટીઓમાં કોઈપણ રાજકીય પાર્ટીના હોદ્દેદારો કે નેતાને સ્થાન નથી આપવામાં આવ્યું. આ તમામ કમિટીઓનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના તમામ ગામડાઓ સુધી પહોંચીને ખેડૂતોને જાગૃત કરવાનો રહેશે.


ખેડૂતો સરકારની જાહેરાતથી ખુશ નહીં

ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનતા સફાળી જાગેલી સરાકાર દ્વારા ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં બમણો વધારો જાહેર કર્યો હતો. જો કે ખેડૂતો સરકારની જાહેરાતથી ખુશ નથી અને રાજસ્થાનની જેમ ચાર ગણા વળતરની માંગ પર મક્કમ છે.

આ મામલે ખેડૂત આંદોલન સમિતિના સભ્ય પ્રતિક પટેલે જણાવ્યું કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો પરિપત્ર ખેડૂતોના હિતમાં ના હોવાનું જણાય છે. આથી આવનારા સમયમાં રાજ્યના 24 જિલ્લાઓમાં આવી અલગ-અલગ કમિટીઓની રચના કરાશે. તેમજ સરકારના પરિપત્રનો અભ્યાસ કર્યાં બાદ ગામના ખેડૂતો પંચાયતના લેટરપેડ સાથે જિલ્લા કલેક્ટરોને આવેદન પત્ર આપીને સરકારી પરિપત્રનો વિરોધ કરશે.

રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈનો બેફામ વાણીવિલાસ

ખેડૂત આંદોલન પાર્ટ 3 માટે આયોજિત બેઠકમાં રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયા ભાઈ રાકેશ અમૃતિયાએ જાહેર મંચ પરથી સરકારી અધિકારીઓ અને ધારાસભ્યો વિરુદ્ધ બેફામ વાણીવિલાસ કર્યો હતો. જેમાં રાકેશ અમૃતિયાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મંત્રીઓ અને ધારાસભ્યો પાણી અહીં પીધા પછી ત્યાં જઈને ઉલટી કરે છે.આ વખતે એકેયને નથી મૂકવા અને તેમના ઝભ્ભા ફાડી નાંખવા છે. જો ખેડૂતોને પુરતુ વળતર ના મળે, તો જે લોકો લાલ ગાડીમાં રખડે છે, તે તમામને 108માં નાંખવાના છે. આપણે કોઈની શરમ નથી રાખવાની.