સુરતના અલથાણમાં લોન્ડ્રીમાં આગ, ગેસનો બાટલો લીકેજ થતાં અફરાતફરી, કારીગર દાઝ્યો

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગે દુકાનમાં રહેલા કપડાંને પણ પોતાની ઝપેટમાં લીધા હતા, જેના કારણે થોડાં કપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 26 Nov 2026 12:10 PM (IST)Updated: Thu, 26 Nov 2026 12:10 PM (IST)
surat-news-fire-breaks-out-at-laundry-in-althan-worker-injured

Surat News: સુરતના અલથાણ ગાર્ડન પાસે આવેલી રાજકુમારી લોન્ડ્રીમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગને પગલે દુકાનમાં રાખેલો ગેસનો બાટલો લીકેજ થયો હતો. આ દરમિયાન આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહેલા 50 વર્ષીય કારીગર ભોલારામ રજતભાઈના હાથ સામાન્ય રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ

મળતી માહિતી અનુસાર, સુરતના અલથાણ વિસ્તારમાં અલથાણ ગાર્ડનની બાજુમાં આવેલી રાજકુમારી લોન્ડ્રીમાં ગત મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગે દુકાનમાં રહેલા કપડાંને પણ પોતાની ઝપેટમાં લીધા હતા, જેના કારણે થોડાં કપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં.

ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

લોન્ડ્રીમાં આગ લાગવાની સાથે જ ત્યાં રાખેલો ગેસનો બાટલો પણ લીકેજ થયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ટીમે કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. સાથે જ લીકેજ થયેલો ગેસનો બાટલો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ ઘટનામાં લોન્ડ્રીમાં કામ કરતા 50 વર્ષીય કારીગર ભોલારામ રજતભાઈ આગ બુઝાવવાનો પ્રયાસ કરતી વખતે હાથના ભાગે સામાન્ય રીતે દાઝી ગયા હતા. આગના કારણે દુકાનમાં રહેલાં થોડાં કપડાંને પણ નુકસાન થયું હતું. ફાયર વિભાગની સમયસરની કામગીરીથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.