Surat: શહેરના પુણા વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પૂજાની સામગ્રી નહેરમાં પધરાવવા ગયેલા પરિવારે ભૂલથી 2 લાખ રૂપિયા પણ કેનાલમાં જવા દીધા હતા. જો કે સુરત ફાયર વિભાગની સમયસૂચકતા અને સખત મહેનતને કારણે આ રકમ સલામત રીતે પરિવારને પરત મળી છે.
પર્વતપાટિયા વિસ્તારમાં રહેતા એક પરિવારે તાજેતરમાં પોતાના ઘરમાં પૂજા કરી હતી. પૂજા બાદ ફૂલો અને સામગ્રીને પેપરમાં લપેટીને કબાટમાં રાખવામાં આવી હતી. સંજોગોવશાત, તે જ કબાટમાં રૂ. 2 લાખની રોકડ પણ કાગળમાં લપેટીને જ મૂકવામાં આવી હતી.
પરિવારના સભ્ય જ્યારે પૂજાની સામગ્રી નહેરમાં પધરાવવા ગયા, ત્યારે ભૂલથી સામગ્રીના બદલે રૂપિયાવાળું પેકેટ ઉપાડી લીધું હતું. તેમણે પર્વત પાટિયા સ્થિત અમેઝીયા વોટર પાર્ક પાસે આવેલી નહેરમાં આ પેકેટ પધરાવી દીધું હતું.
જ્યારે સભ્ય ઘરે પરત ફર્યા અને કબાટ તપાસ્યો, ત્યારે સત્ય સામે આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પૂજાની સામગ્રી કબાટમાં જ હતી અને ₹2 લાખ રૂપિયા નહેરના વહેતા પાણીમાં પધરાવાઇ ચૂક્યા હતા. વિલંબ કર્યા વગર પરિવારે તાત્કાલિક સુરત ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો.
આ ઘટનાની ગંભીરતા સમજીને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક નહેર પર પહોંચ્યો હતો. વહેતા પાણીમાં કાગળમાં લપેટેલા રૂપિયા શોધવા એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. આમ છતાં ફાયરના જવાનોએ પાણીમાં ઉતરીને શોધખોળ આદરી હતી. અંતે, જવાનોની મહેનત રંગ લાવી અને રૂ. 2 લાખની રોકડ ભરેલું પેકેટ શોધી કાઢવામાં આવ્યું હતું.
આ કામગીરી દરમિયાન પથ્થરો કે અન્ય વસ્તુઓ વાગવાને કારણે બે ફાયર જવાનોને સામાન્ય ઈજા પણ પહોંચી હતી. જો કે તેમણે પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું હતું. ખોવાયેલી રકમ પરત મળતા પરિવારે ફાયર વિભાગનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
