Surat: પિતાના મિત્રની હથોડીના ઘા ઝીંકી ઘાતકી હત્યા, હત્યારા પુત્રને આજીવન કેદની સજા; રૂ. 10 હજારનો દંડ

મૃતક આરોપીના ઘરે જ રહેતા હતા, પરંતુ ઘરકામમાં કોઈ મદદ નહતા કરતા. જાન્યુઆરી 2023માં મૃતકે જમવાનું બનાવવાનો ઈન્કાર કરતાં ઉશ્કેરાયેલો ચેતન હથોડી લઈને તૂટી પડ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 07 Mar 2026 09:24 PM (IST)Updated: Sat, 07 Mar 2026 09:24 PM (IST)
surat-news-man-gets-life-imprisonment-for-killing-fathers-friend-with-hammer
HIGHLIGHTS
  • મૃતકે આરોપીનું ભવિષ્ય ના બગડે તે માટે ફરિયાદ કરવાનું ટાળ્યું હતુ

Surat: શહેરના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2023માં બનેલી એક ચોંકાવનારી હત્યાના કેસમાં સુરત સેસન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. માત્ર જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં પિતાના મિત્ર પર હથોડી વડે જીવલેણ હુમલો કરી હત્યા કરનાર આરોપી ચેતન ઉર્ફે ચેતલા મુલચંદ ગુપ્તાને અદાલતે આજીવન કેદની સખત સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે.

મૃતક શબ્બીરભાઈ આરોપીના પિતા મુલચંદ ગુપ્તાના પાકા મિત્ર હતા અને છેલ્લા ઘણા સમયથી તેમના ઘરે જ રહેતા હતા. શબ્બીરભાઈ ઘરકામમાં મદદ ન કરતા હોવાથી આરોપી ચેતન તેમનાથી નારાજ રહેતો હતો.

ગત 31 જાન્યુઆરી 2023ના રોજ સાંજે ચેતને શબ્બીરભાઈને જમવાનું બનાવવાનું કહ્યું હતું, જેની તેમણે ના પાડતા વિવાદ વકર્યો હતો. ઉશ્કેરાયેલા ચેતને શબ્બીરભાઈને નીચે પાડી દઈ લોખંડની હથોડી વડે માથા અને કાનના ભાગે ઘાતક પ્રહારો કર્યા હતા.

આ કેસનું સૌથી કરુણ અને આશ્ચર્યજનક પાસું એ રહ્યું કે, હુમલાનો ભોગ બનનાર શબ્બીર ઉર્ફે પપ્પુ ખાન ગંભીર રીતે ઘવાયેલા હોવા છતાં 8 ફેબ્રુઆરી સુધી ભાનમાં હતા. જોકે, હુમલો કરનાર ચેતન તેમના પરમ મિત્રનો દીકરો હોવાથી, તેનું ભવિષ્ય ન બગડે તે હેતુથી તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

મિત્રતા ખાતર તેમણે મૌન સેવ્યું હતું, પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જેના પગલે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી ચેતનની ધરપકડ કરી હતી.

આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિશાલ ફળદૂએ દલીલો રજૂ કરી હતી. તેમણે મેડિકલ પુરાવા અને પંચોની જુબાની રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપીએ જાણીજોઈને શરીરના નાજુક ભાગો પર હથોડી જેવા જીવલેણ હથિયારથી હુમલો કર્યો હતો.

અદાલતે આ દલીલો ગ્રાહ્ય રાખી હતી અને નોંધ્યું હતું કે સમાજમાં આવા ગુનાઓ વધતા અટકાવવા કડક સજા જરૂરી છે. જેના પરિણામે સેસન્સ કોર્ટે આરોપી ચેતન ગુપ્તાને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.