Vadodara: વડોદરામાં એક બાળક દ્વારા પીવામાં આવેલા ઠંડા પીણાના ટેટ્રા પેકમાંથી બે ઈંચ લાંબુ દેડકાના આકારનું જીવડું નીકળ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ પીણું પીધા બાદ બાળકની તબિયત લથડતાં તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરમાં રહેતા પરિવારના બાળકે બજારમાંથી ટ્રેટા પેક પીવા માટે ખરીદ્યું હતુ. ટેટ્રા પેકમાંથી અડધું પીણું પીધા પછી બાળકને અંદર કંઈક વિચિત્ર વસ્તું તરતી દેખાઈ હતી. આથી તાત્કાલિક બાળકે આ બાબતે પરિવારને જાણ કરી હતી. જેથી પરિવારજનોએ ટ્રેટા પેકમાં ધ્યાનથી જોતા અંદર કંઈક જીવડા જેવું તરતું જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.
આ બાબતની ગંભીરતા સમજતા પરિવારજનો તાત્કાલિક બાળકને વડોદરાની સરકારી SSG હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પોતાની સાથે પરિવારજનો ટ્રેટા પેક પણ લઈ ગયા હતા, જેથી તબીબને પણ ખ્યાલ આવે અને તે પ્રમાણે સારવાર શરૂ કરી શકાય.
જ્યાં હોસ્પિટલમાં તબીબની હાજરીમાં ટ્રેટા પેકને કાતરની મદદથી કાપવામાં આવ્યું હતુ. જેમાં અંદરથી બે ઈંચ લાંબુ નાની ઉંદરડીના જેવું જીવડું બહાર આવતા તબીબો સહિત હોસ્પિટલનો સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. જે બાદ તબીબોએ તાત્કાલિક બાળકને પ્રાથમિક સારવાર પુરી પાડી હતી, જેને પગલે તેની હાલત સ્થિર હોવાનું માલૂમ પડ્યું છે.
