Surat: પીપોદરા પાસે અકસ્માતમાં આઈસરની કેબિનનો કચ્ચરઘાણ, પોલીસે સ્ટીયરિંગમાં ફસાયેલા ડ્રાઈવરને દોરડાથી ખેંચીને બહાર કાઢ્યો

અકસ્માતના પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ, ઈજાગ્રસ્ત ડ્રાઈવરને 108માં સારવાર અર્થે લઈ જવાયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Mar 2025 06:02 PM (IST)Updated: Sun, 09 Mar 2025 06:02 PM (IST)
surat-news-eisher-accident-near-pipodara-on-ahmedabad-mumbai-national-highway
HIGHLIGHTS
  • અજાણ્યા વાહન સાથે આઈસર ટ્રક ધડાકાભેર ભટકાયો હતો

Surat: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહનની અડફેટે ચડી ગયેલા આઈસર ટેમ્પોની કેબિનનો ખુરદો બોલી ગયો હતો. આ અકસ્માતમાં સ્ટીયરિંગમાં ફસાયેલા ડ્રાઈવરને દોરડા વડે બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, માંગરોળના પીપોદરા ગામ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પરથી આઈસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ટેમ્પો અજાણ્યા વાહન સાથે ધડાકાભેર ભટકાયો હતો. જેમાં આઈસરની કેબિનનો ભાગ પડીકું વળી ગયો હતો.

આ અકસ્માતમાં આઈસરનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. જેના પગલે અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં કોસંબા પોલીસ મથકની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે દોરડાની મદદથી આઈસરની કેબિનમાં સ્ટીયરિંગ વચ્ચે ફસાયેલા ડ્રાઈવરને ખેંચીને બહાર કાઢ્યો હતો. જે બાદ 108ની મદદથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે હાઈવે પણ થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

આ મામલે 108ના EMT મયુરકુમારે જણાવ્યું કે, પીપોદરા નજીક ગણેશ પેટ્રોલિયમ પાસે સર્જાયેલા અકસ્માતમાં આઈસરનો ડ્રાઈવર સ્ટીયરિંગમાં ફસાઈ ગયો હતો. જેને બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જ્યારે કંડક્ટર સમયસર બહાર નીકળી જતાં તે બચી ગયો છે.