Paresh Goswami Ni Agahi: આ સપ્તાહની શરૂઆતમાં બેવડી ઋતુ બાદ છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીની પાર નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગામી 14 માર્ચથી હવામાનમાં પલટો આવવાની આગાહી વ્યક્ત કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જ્યારે બીજી તરફ દક્ષિણ ભરતમાં કેરળ, તમિલનાડુ અને શ્રીલંકાની અસાપાસ હવામાનની અસ્થિરતા સર્જાઈ રહી છે. આગામી દિવસોમાં આ અસ્થિરતા વધારે મજબૂત બનશે, જે કેરળના દરિયા કાંઠાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. જે આગળ જતાં લો પ્રેશરની કેટેગરી સુધી જઈ શકે છે. બીજી બાજુ ઉત્તર ભારતમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે.
આગામી 14 માર્ચ, 2025ના રોજ એક અસ્થિરતા સર્જાશે. જેના પરિણામે મોટાભાગના વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે. જો આ વાદળો વધુ ઘાટા થાય , તો હવામાનમાં પલટો આવે અને કેટલાક ભાગોમાં છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 13 માર્ચ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં યેલો એલર્ટ રહેવાનું છે. જેમાં ભૂજ, ભચાઉ અને રાપરના કેટલાક ભાગોમાં તાપમાન ખૂબ જ ઊંચુ જઈ શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દ્વારકામાં પણ તાપમાન ઊંચુ જોવા મળશે.
