Surat: ઘર છોડી ગયેલા પિતાનો વિયોગ સહન ના થતા પુત્રીનો આપઘાત, મોટા ભાઈની નજર સામે જ રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું

દ્રષ્ટિ પિતાની જાણ બહાર બહેનપણી પાસેથી ઉછીના રૂપિયા લઈને પ્રવાસે ઉપડી ગઈ હતી. આ બાબતની જાણ થતાં આઘાતમાં સરી પડેલા પિતા કોઈને જાણ કર્યાં વિના ઘર છોડીને જતા રહ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 16 Dec 2025 06:34 PM (IST)Updated: Tue, 16 Dec 2025 06:34 PM (IST)
surat-news-daughter-commit-suicide-by-jump-into-tapi-river-after-father-missing
HIGHLIGHTS
  • અંતિમ પગલું ભરતા પહેલા દ્રષ્ટિએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી
  • 'પપ્પા મળી જશે, હું મારા ઠાકરને કહીશ તો તે ગોતી દેશે'

Surat: શહેરના વરાછા વિસ્તારમાં રહેતી ધો.12 કૉમર્સની વિદ્યાથિનીએ રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો છે. અંતિમ પગલું ભરતા પહેલા વિદ્યાર્થિનીએ લખેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. મૃતક વિદ્યાર્થિનાના માતા-પિતા બે દિવસ પહેલા ઘર છોડીને જતાં રહેતા આઘાતમાં પુત્રીએ પણ અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના વતની અને હાલમાં સુરતના વરાછા એ.કે.રોડ સ્થિત રતનજી પાર્કમાં શૈલેષભાઈ મનાણી પરિવાર સાથે રહે છે અને રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેમના પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા છે અને સંતાનમાં એક પુત્ર અને 16 વર્ષની દીકરી દ્રષ્ટી હતી, જે ધો.12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી.

ગઈકાલે દ્રષ્ટિએ ફૂલપાડા રેલ્વે ઓવર બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ બનાવની જાણ થતા સ્થાનિક માછીમારોએ તેને નદીમાંથી બહાર કાઢી 108ની મદદથી સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કરી હતી

પ્રાથમિક તપાસમાં દ્રષ્ટિ ગત બુધવારે પ્રવાસ પર ગઈ હતી, જ્યાંથી પરત આવી ત્યારે તેને જાણવા મળ્યું હતું કે, પિતા શૈલેષભાઈ ઘરમાં કોઈને કશું કહ્યા વિના જતા રહ્યા છે. આ મામલે વરાછા પોલીસમાં ગુમ થવા અંગે જાણ પણ કરવામાં આવી છે. જેથી આઘાતમાં સરી પડેલી દ્રષ્ટિ પણ આપઘાત કરવા નીકળી પડી હતી. જેથી મોટોભાઈ બચાવવા માટે દ્રષ્ટિનો પીછો કર્યો હતો, પરંતુ તેની નજર સામે જ નાની બહેન નદીમાં કૂદી પડી હતી.

દ્રષ્ટિ પિતાની લાડકી દીકરી હતી અને તેને હરવા-ફરવાનો શોખ હતો. થોડા સમય પહેલા જ પિતાએ દ્રષ્ટિને નવું મોપેડ લઈને આપ્યું હતુ. પિતા શૈલેષભાઈ પુત્રીના તમામ શોખ પુરા કરતા હતા. આથી પિતા ગુમ થઈ જતાં આઘાતમાં દ્રષ્ટિએ પણ અંતિમ પગલું ભરી લીધુ હતુ.

આ અંગે મૃતકના સબંધી અશોકભાઈએ જણાવ્યું કે, દ્રષ્ટિની સ્કૂલમાંથી કચ્છના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. દ્રષ્ટિએ આ બાબતે પિતાને જાણ કરી હતી. જો કે પિતાએ કચ્છમાં ફરી આવ્યા હોવાથી પ્રવાસે જવાની ના પાડી હતી. આ દરમિયાન દ્રષ્ટિએ પિતાની જાણ બહાર બહેનપણી પાસેથી ઉછીના પૈસા લઈને પ્રવાસ ઉપડી ગઈ હતી.

આ બાબતની જાણ થતાં પિતા પણ ઘરે કોઈને કહ્યા વિના નીકળી ગયા હતા. રવિવારે દ્રષ્ટિ જ્યારે પ્રવાસથી પરત ફરી, ત્યારે તેને પિતા ગુમ થઈ ગયા હોવાની જાણ થઈ હતી.

હું ઉપર જઈને જોઈશ કે મારા પપ્પા ક્યાં છે?
અંતિમ પગલું ભરતા પહેલા દ્રષ્ટિએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં દ્રષ્ટિએ લખ્યું છે કે,

તમે તમારું ધ્યાન રાખજો, મારી ચિંતા નો કરતા અને પપ્પા પણ મળી જશે. હું કહીશ મારા ઠાકરને એ ગોતી દેશે બરાબર.. ચલો તમને કોઈ વધારે ચિંતા નથી આપવી, કઈ જ દઉ છું હું તાપીમાં ઠેકડો મારું છું. જો અગર ગોતવી હોય તો ત્યાં જ ગોતજો બાકી નહિ. હું ત્યાં જાવ છું બરાબર અને કોઈ રોતા નહિ અને યાદ ના કરતા. હુંય કોઈને યાદ નહિ કરું બરાબર. તમે બધા ખુશ રેજો મારું ચિંતા ના કરશો. અને પપ્પા આવે તો કેજો એની જેની એને બોવ યાદ કરતી હતી અને એના વગર રહી શકે તેમ ન હતી એટલે એને આમ કર્યું.

bye bye આવજો. મારી ચિંતા નાં કરશો. ભાઈ બા ને સાચવજે હો ને, હવે તું જ એમનો સહારો બનજે અને હું ઉપર જઈશ ને જોઈ કે મારા પપ્પા છે ક્યાં ? શોધીશ એમને ? મળીશ કે એ ક્યાં છે અને મને મૂકીને કેમ ગયા? bye bye, miss you all… યાદ આવશે તમારી અને પપ્પા તમારી ખાસ. ધ્યાન રાખજો તમારું daddy, your girl is always love you…