Vadodara: વડોદરા શહેરમાં પ્રતિબંધિત ઇ-સિગારેટ (વેપ)ના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના બાપોદ વિસ્તારમાં આવતા આજવા રોડ પર આવેલી જેની રેસીડન્સીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે દરોડો પાડી રૂ. 10.42 લાખથી વધુ કિંમતનો પ્રતિબંધિત ઇ-સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક ઇસમને સ્થળ પરથી દબોચી લેવામાં આવ્યો છે.
પોલીસે આપેલી માહિતી મુજબ, જેની રેસીડન્સીમાં રહેતો સેફાન ઉર્ફે બાબા ઇકબાલભાઈ મેમણ (મૂળ રહેવાસી મેમણ કોલોની, પાણીગેટ) પોતાના ફ્લેટમાંથી પ્રતિબંધિત ઇ-સિગારેટનું છુટક વેચાણ કરતો હતો. ચોક્કસ બાતમીના આધારે SOGની ટીમે ફ્લેટમાં દરોડો પાડતાં Elfbar અને Yuoto કંપનીના કુલ 487 બોક્સ ઇ-સિગારેટ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત અંદાજે રૂ. 10.42 લાખ થાય છે.
પોલીસ તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે આ પ્રતિબંધિત માલ પાણીગેટ વિસ્તારમાં આવેલા દૂધવાળા મહોલ્લામાં રહેતા ઇબ્રાહીમ બિલાવાલા પાસેથી મંગાવ્યો હતો. આ ખુલાસા બાદ પોલીસે ઇબ્રાહીમ બિલાવાલાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે આ ગેરકાયદેસર વેપાર પાછળ એક મોટું નેટવર્ક કાર્યરત છે.
આ મામલે વધુ ચોંકાવનારો ખુલાસો એ છે કે જપ્ત કરાયેલા ઇ-સિગારેટના જથ્થાનો કનેક્શન ચાઇના સાથે હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે આ આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન અને નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ દિશામાં અન્ય સંડોવાયેલા લોકો અને ડીલરોની ઓળખ માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસે આરોપી સેફાન ઉર્ફે બાબા ઇકબાલભાઈ મેમણ સામે તમાકુ નિયંત્રણ અધિનિયમ તેમજ ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં યુવાનોને નુકસાન પહોંચાડતા આવા પ્રતિબંધિત ઉત્પાદનોના વેપાર સામે આગળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પોલીસે આપી છે.
