Surat: સુરતમાં ગતરોજ એક અત્યંત દુઃખદ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં અમરોલી વેદાંત સર્કલ નજીક એક ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર વૃદ્ધ દંપતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ મામલે અમરોલી પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ભાવનગરના માનવિલાસ ગામના વતની અને હાલમાં સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા ભૂપતભાઈ લાલજીભાઈ ડુંગરાણી (60) અને તેમના પત્ની ઉષાબેન ડુંગરાણી (58) અમરોલી ખાતે સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા.
તેઓ આઉટર રિંગ રોડ પર વેદાંત સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવી રહેલા એક ટેન્કરના ચાલકે દંપતીના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે વૃદ્ધ દંપતી રોડ પર પટકાયું હતું અને તેમને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ બનાવની જાણ થતાં દંપતીનો પુત્ર પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસ અને 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. 108ની ટીમે તપાસ કરીને વૃદ્ધ દંપતીને મૃત જાહેર કર્યા હતા.
આ મામલે મૃતકના પરિવારજનોએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ટેન્કર ચાલકને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માતના આ બનાવમાં એક જ પરિવારે ઘરના બે વડીલોને ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
