Valsad: ગુજરાત સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાશે, મુખ્યમંત્રીસહિત ઉચ્ચ અધિકારીઓ સહભાગી થશે

રાજ્ય વહીવટને વધુ નાગરિક-કેન્દ્રિત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ 2003થી શરૂ થયેલી ચિંતન શિબિરમાં વિવિધ ચર્ચા સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 25 Nov 2025 08:26 PM (IST)Updated: Tue, 25 Nov 2025 08:26 PM (IST)
valsad-news-government-of-gujarat-chintan-shibir-held-at-shrimad-rajchandra-ashram-dharmapur
HIGHLIGHTS
  • 27 થી 29 નવેમ્બર દરમિયાન યોજાનારી ચિંતન શિબિરની થીમ સામુહિક ચિંતનથી સામુહિત વિકાસ તરફ રાખવામાં આવી
  • શિબિરના સમાપન સમારોહમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરાશે

Valsad: રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર આગામી 17 થી 29 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. 'સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ'ની થીમ પર આયોજિત ચિંતન શબિરમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ સહભાગી થશે.

આ અંગે વિગતો આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં યોજાનાર 12મી ચિંતન શિબિરમાં મંત્રી મંડળના સભ્યો સહિત 241 જેટલા IAS, IPS સહિત ઉચ્ચ સનદી અધિકારીઓ સહભાગી થશે. જેમાં વિવિધ ચર્ચા સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય વહીવટને વધુ નાગરિક-કેન્દ્રિત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ 2003થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે 12મી વાર્ષિક ચિંતન શિબિરનું આયોજન કર્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષની ચિંતન શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય, સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી, હરિત ઊર્જા અને પર્યાવરણ જેવા વિષયો પર સામૂહિક ચિંતન-મંથન કરવામાં આવશે.

ચિંતન શિબિરનો પ્રારંભ 27 નવેમ્બરના રોજ ઉદ્ઘાટન સત્રથી થશે તથા બાકીના બે દિવસોમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ચર્ચા સત્ર, જૂથ ચર્ચા, બેઠકો યોજાશે. ત્રી દિવસીય ચિંતન શિબિર દરમિયાન વિવિધ વિષયોના નિષ્ણાંત વક્તાઓના વ્યાખ્યાનો પણ યોજાશે.

આ ઉપરાંત શિબિરના સમાપન સમારોહમાં વર્ષ 2024-25ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.