Surat: પલસાણામાં વીજ કરંટથી દંપતીનું મોત, તાર પર સૂકવેલા કપડા લેવા જતાં પત્નીને ઝટકો લાગતા બચાવવા ગયેલો પતિ પણ ચોંટી ગયો

પોતાના પિયરમાં લોખંડના તાર પર સૂકવેલા કપડાં લેવા જતી વખતે પત્નીને કરંટનો ઝાટકો લાગતા તે ફસડાઈ પડી હતી. જે જોઈને પતિ બચાવવા દોડ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 29 May 2025 09:09 PM (IST)Updated: Thu, 29 May 2025 09:09 PM (IST)
surat-news-couple-dead-due-to-electric-shock-in-gangadhara-village-of-palsana
HIGHLIGHTS
  • દુઃખદ ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ, ગંગાધરા ગામમાં ગમગીની

Surat: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ગામમાં દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં લોખંડના તાર પર સૂકવેલા કપડાં લેવા જતાં પરિણીતાને કરંટ લાગ્યો હતો. આથી તેને બચાવવા જતાં પતિ પણ ચોંટી ગયો હતો. જેમાં દંપતીનું મોત નિપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પલસાણાના આમલસાડી ગામના પટેલ ફળિયામાં રહેતા વિભૂતિ પટેલ પોતાના પતિ પ્રતિક પટેલ સાથે ગંગાધરા ફાટક નજીક પોતાના પિયરમાં આવ્યા હતા. જ્યાં વિભૂતિ પટેલ લોખંડના તાર પર સૂકવવા નાંખેલા કપડા લેવા ગયા હતા. આ સમયે તેમને જમણા હાથ પર કરંટનો ઝાટકો લાગતા તેઓ જમીન પર પટકાયા હતા. આ બાબતની જાણ થતાં તેમના પતિ પ્રતિક પટેલ પણ પત્ની વિભૂતિને બચાવવા જતાં તેમને પણ વીજ કરંટ લાગ્યો હતો.

વીજ કરંટથી દંપતી જમીન પર ફસડાઈ પડ્યું હતુ. આ બાબતની જાણ થતાં તાત્કાલિક દંપતીને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતુ. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને બન્નેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.