Surat: શહેરના ડીંડોલી વિસ્તારમાં પતિ સાથે માથાકૂટ થતાં પરિણીતાએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પરિણીતાએ મોડી રાતે પતિ સૂઈ ગયા બાદ સ્યુસાઈડ નોટ લખીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના વતની વિજય વિશ્વકર્મા હાલ ડીંડોલી વિસ્તારના સોમનાથ નગરમાં રહે છે અને જનરલ સ્ટોર્સમાં કામ કરીને પત્ની અને 3 સંતાનો સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે વિજયભાઈ કામ પર ગયા હતા, ત્યારે તેમણે પત્ની સરિતાને ફોન કર્યો હતો. જો કે ફોન પર પતિ સાથે વ્યવસ્થિત વાત નહતી થઈ શકી.
આથી જ્યારે વિજય વિશ્વકર્મા ઘરે આવ્યા, ત્યારે ફોન પર વાત કરવા બાબતે પત્ની સાથે માથાકૂટ થઈ હતી. આથી ઉશ્કેરાયેલ સરિતાએ ગુસ્સામાં પોતાનો મોબાઈલ જમીન પર પછાડ્યો હતો. જે બાદ મોડી રાતે ઘરમાં પતિ સૂઈ જતાં સરિતાએ ઘરની છતની એંગલમાં લેસ પટ્ટી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતાં ડીંડોલી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકે અંતિમ પગલું ભર્યા પહેલા લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણીએ હિન્દીમાં પતિને ઉદ્દેશીને લખ્યું હતું કે, 'હું તમારાથી પરેશાન થઈ ગઈ હોવાથી આપઘાત કરું છે. મારા પરિવારની આમા કોઈ ભૂલ નથી.' હાલ તો પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
