Surat: સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા સુરત પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. 'નશાનો કારોબાર બંધ કરો' લખેલા બેનર સાથે કોંગ્રેસના નેતાઓ સુરત પોલીસ કમિશ્નર કચેરીએ પહોચ્યા હતા અને આવેદન પત્ર આપ્યું હતું.
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા અને અમારા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીએ અને ગુજરાતના હાઈ કમાન્ડએ આખા ગુજરાતની અંદર નશાની જે પ્રવુતિ ચાલી રહી છે તેના વિરોધમાં એક આંદોલન ચાલી રહ્યું છે. જે અંતર્ગત આજે આખા ગુજરાતની અંદર તમામે તમામ પોલીસ મથકો પર આંદોલન કરી રહ્યા છે. જેના ભાગરૂપે સુરત શહેરની અંદર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશ્નર કચેરીએ આવીને આવેદન પત્ર આપ્યું છે.
સુરત શહેરના ખૂણે ખૂણે ચાલતા નશાના કારોબાર અને તેની સાથે કેટલાક જે કર્મીઓ છે તેમને ખબર છે અને જે વર્ષોથી એક જ પોલીસ મથકમાં છે અને ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ જેમની આ વેપારમાં નજર છે તેવા પોલીસકર્મીઓની તાત્કાલીક બદલી કરવામાં આવે. આ નશાનો કારોબાર તાત્કાલિક બંધ કરવામાં આવે એવી કાર્યવાહી 24 કલાકની અંદર કરે એવી માંગણી સાથે આવ્યા છે.
સુરત અને ભારત દેશનું યુવાધન નશાના કારણે અંધકારમાં જઈ રહ્યું છે, બહેનો વિધવા થઇ રહી છે આવા ખુબ મોટા મોટા સામાજિક કારણો ઉભા થયા છે જેના સંદર્ભે સુરત શહેર કોંગ્રેસ આ અંદોલન કરી રહી છે.
