Surat: ગોડાદરામાં ધોરણ 12ના વિદ્યાર્થીનો આપઘાત, અંતિમ વીડિયોમાં વ્યથા ઠાલવી 13માં માળેથી કૂદી પડ્યો

સુરતના ગોડાદરામાં 18 વર્ષીય ધોરણ 12ના વિદ્યાર્થીએ 13મા માળેથી કૂદી આપઘાત કર્યો. આપઘાત પહેલા વીડિયોમાં તેણે બ્રેકઅપ અને જીવનમાં નિરાશાને કારણભૂત ગણાવ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 06 Oct 2026 06:59 PM (IST)Updated: Tue, 06 Oct 2026 06:59 PM (IST)
surat-news-class-12-student-commits-suicide-in-godadara-posts-final-video-before-jumping
Deadbody-Surat-Shub Vahini

Surat Student Suicide: સુરતના ગોડાદરા વિસ્તારમાં એક દુખદ ઘટના સામે આવી છે, જેમાં 18 વર્ષીય એક વિદ્યાર્થીએ એપાર્ટમેન્ટના 13માં માળેથી ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તે અંતિમ મનોસ્થિતિ વર્ણવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતો અને ધો 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 13માં માળેથી ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. વ્હાલસોયા દીકરાએ આ પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જે વીડિયો તેણે તેના મિત્રને મોકલ્યો હતો.

આ કરુણ ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ વિદ્યાર્થીના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આપઘાત કરતા પહેલા બનાવેલા વીડિયોમાં વિદ્યાર્થી કહી રહ્યો છે કે, આપઘાત કરવાનું કારણ એ છે કે જીવનમાં કઈ મજા નથી રહી, કઈ સારું નથી લાગી રહ્યું, મારી ગર્લફ્રેન્ડ હતી પણ અઠવાડિયા પહેલા બ્રેકઅપ થઈ ગયું છે પણ છોકરી પાછળ કોણ આપઘાત કરે, મારા માતા પિતા ખુબ સારા છે તે લવિંગ અને કેરીંગ છે પણ મને નથી લાગતું કે હું તેમનો પ્રેમને યોગ્ય છુ,

વીડયોમાં અંતે તે તેના માતા પિતાને બાય કહી રહ્યો છે અને તે કહી રહ્યો છે કે મારી જિંદગીમાં બધું જ સારું હતું કઈ જ ખરાબ ન હતું, હું આપઘાત મારા લીધે જ કરું છું, મારા દોસ્તો પર પુછતાજ કે કેસ થવો ન જોઈએ, તેણે કહ્યું કે, તે 18 વર્ષનો થઈ ચૂક્યો છે અને પોતાની સંમતિ આપવા માટે સક્ષમ છે. અંતે વિડીયોમાં તે ખાતરી આપી રહ્યો છે કે આ એઆઈ વિડીયો નથી, તે પોતાના વાળ હલાવીને બતાવ્યા અને ઘર પણ બતાવ્યું હતું.